સલમાન ખાનના સૌથી જાણીતા વિવાદોમાં 1998નો કાળિયાર શિકાર કેસ સામેલ છે. ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન રાજસ્થાનમાં કાળિયારના શિકારનો આરોપ તેમના પર લાગ્યો હતો. આ કેસમાં લાંબી કાનૂની પ્રક્રિયા ચાલી હતી અને સલમાન ખાનને કોર્ટ દ્વારા સજા પણ ફટકારવામાં આવી હતી. આ મામલે તેમને જેલમાં પણ જવું પડ્યું હતું.
2002નો હિટ એન્ડ રન કેસ
2002નો હિટ એન્ડ રન કેસ પણ સલમાન ખાનના સૌથી ચર્ચિત કાનૂની વિવાદોમાંથી એક રહ્યો છે. મુંબઈમાં એક બેકરી નજીક ફૂટપાથ પર સૂઈ રહેલા લોકો પર કાર ચઢી જવાના આ કેસમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સલમાન ખાન કાર ચલાવી રહ્યા હોવાનો આરોપ લાગ્યો હતો. જોકે, બાદમાં કોર્ટે તેમને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા.
ઐશ્વર્યા રાય સાથેના સંબંધો અને વિવાદ
‘હમ દિલ દે ચૂકે સનમ’ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચનના સંબંધોની ચર્ચા શરૂ થઈ હતી. જોકે, 2002માં બંનેના સંબંધોનો અંત આવ્યા બાદ પણ આ સંબંધ લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યો હતો. સલમાન ખાનના વર્તન અને સંબંધ દરમિયાન કથિત રીતે થયેલા વિવાદોને લઈને પણ અનેક અહેવાલો સામે આવ્યા હતા. ઐશ્વર્યા રાયે પણ બાદમાં સલમાન સાથેના સંબંધો દરમિયાન હિંસક વર્તનના આરોપો લગાવ્યા હતા.
વિવેક ઓબેરોય સાથેનો વિવાદ
સલમાન ખાન અને વિવેક ઓબેરોય વચ્ચેનો વિવાદ પણ બોલિવૂડના સૌથી ચર્ચિત સેલિબ્રિટી વિવાદોમાં ગણાય છે. અહેવાલો અનુસાર, આ વિવાદના કેન્દ્રમાં ઐશ્વર્યા રાય સાથેના સંબંધો હતા. વિવેક ઓબેરોયે એક પ્રેસ કોન્ફરન્સ કરીને સલમાન ખાન પર ફોન કરીને ધમકી આપવા અને દુર્વ્યવહાર કરવાના ગંભીર આરોપો લગાવ્યા હતા. જોકે, આ મામલે બંને કલાકારોના પક્ષ અને બાદના નિવેદનો પણ ચર્ચામાં રહ્યા છે.
સુભાષ ઘાઈ સાથે વિવાદ
2008માં ફિલ્મ ‘યુવરાજ’ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન અને દિગ્દર્શક સુભાષ ઘાઈ વચ્ચે વિવાદ થયાના અહેવાલો સામે આવ્યા હતા. એક પાર્ટીમાં બંને વચ્ચે ઉગ્ર દલીલ અને ઝપાઝપી થઈ હોવાના અહેવાલો આવ્યા હતા. જોકે, બાદમાં સલીમ ખાનની વિનંતી બાદ સલમાન ખાને સુભાષ ઘાઈની માફી માંગી હોવાનું જણાવાયું હતું.



