વરસાદી વાતાવરણમાં સાંજના સમયે ચાની ચુસ્કી સાથે કંઈક ગરમાગરમ, મસાલેદાર અને ટેસ્ટી ખાવાની ઈચ્છા દરેકને થતી હોય છે. જો તમને પણ ટેસ્ટી વાનગી ખાવાનું મન થતું હોય તો રસોડાના રાજા ગણાતા બટાકા આ ક્રેવિંગને મટાડવા માટે બેસ્ટ ઓપ્શન છે. બાફેલા બટાકામાંથી ફકત મસાલેદાર શાક જ નહી અવનવા સ્વાદિષ્ટ નાસ્તા પણ બને છે. જે બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકના ફેવરિટ બની જશે. જાણો વરસાદમાં બ્રેકફાસ્ટની મજા માણવા બટાકાના એવા બેસ્ટ ઓપ્શન જે આંગળીઓ ચાટવા મજબૂર કરી દેશે!
વરસાદમાં માણો બટાકાના આ નાસ્તાની મોજ
ક્રિસ્પી આલૂ ચાટ : સાંજની ચા સાથે ચટાકેદાર સ્વાદ જોઈતો હોય તો આલૂ ચાટ પરફેક્ટ છે. બાફેલા બટાકાના ટુકડાને તેલમાં એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. ત્યારબાદ તેમાં તીખી લીલી ચટણી, આંબલીની ગળી ચટણી, ચાટ મસાલો, ડુંગળી અને સેવ ઉમેરીને ગરમાગરમ સર્વ કરો.
પોટેટો ફિંગર્સ અથવા ફ્રેન્ચ ફ્રાઈસ : બાળકોના ઓલ-ટાઇમ ફેવરિટ એવા પોટેટો ફિંગર્સ બાફેલા બટાકામાંથી ફટાફટ બની જાય છે. બટાકાના માવામાં સામાન્ય મસાલા અને કોર્નફ્લોર ભેળવી લાંબી આંગળીઓ જેવા શેપ આપી તેલમાં તળી લો. ટોમેટો કેચઅપ સાથે આ નાસ્તો બેસ્ટ કોમ્બિનેશન છે.
આલૂ બ્રેડ રોલ : જો ઘરમાં બ્રેડ પડી હોય, તો બાફેલા બટાકાનો મસાલેદાર માવો તૈયાર કરો. બ્રેડને પાણીમાં સહેજ ભીની કરી, વચમાં બટાકાનો માવો ભરીને રોલ વાળી લો. આ રોલ્સને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. ચા સાથે આ સ્નેક્સ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.
બટાકા વડા : ગુજરાતીઓની સાંજની ચા બટાકા વડા વગર અધૂરી ગણાય! બાફેલા બટાકાની અંદર આદુ, મરચાં, લસણ અને લીલા ધાણા નાખીને મસ્ત ચટાકેદાર માવો બનાવો. ત્યારબાદ ચણાના લોટના ખીરામાં બોળીને તેને ગરમાગરમ તળી લો. ચા અને તળેલા મરચાં સાથે આ ખાવાની મોજ પડી જશે. બાળકો માટે નાસ્તામાં તમે ચીઝ ઉમેરી શકો છો.
ચોમાસામાં બટાકાને બગડતા અટકાવશે આ ટીપ્સ
બટાકાની વાનગીઓ બનાવવા માટે ચોમાસામાં તેને સ્ટોર કરવામાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. બટાકાને હંમેશા ભેજ વગરની, સૂકી, ઠંડી અને અંધારી જગ્યાએ સંગ્રહિત કરો. પ્લાસ્ટિકની થેલીને બદલે હવાની અવરજવર થઈ શકે તેવી કાણાંવાળી ટોપલી કે શણના કોથળાનો ઉપયોગ કરો. બટાકાને ક્યારેય પણ ડુંગળીની સાથે ન રાખો, કારણ કે તેનાથી ગેસ ઉત્પન્ન થાય છે અને બટાકા ઝડપથી બગડે છે. સંગ્રહ કરતા પહેલા બટાકાને ક્યારેય ધોવા નહીં, ભેજને કારણે તેમાં ફૂગ લાગી શકે છે.
આ પણ વાંચો : Brain Health: મગજને આજીવન રાખવું છે શાર્પ અને એક્ટિવ? અપનાવો WHOની આ અદ્ભુત લાઈફસ્ટાઈલ ટિપ્સ
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
Leave a Comment