આજના ભાગદોડભર્યા જીવનમાં લોકોની લાઈફસ્ટાઈલ ખૂબ જ બગડી ચૂકી છે. મોડે સુધી કામ કરવું, મોડી રાત સુધી અભ્યાસ કરવો કે પછી કલાકો સુધી મોબાઈલ સ્ક્રીન પર સમય વિતાવવાને કારણે મોટાભાગના લોકો પોતાની ઊંઘ સાથે સમજૂતી કરી લેતા હોય છે.
ઘણા લોકોને એવી ગેરસમજ હોય છે કે, ઓછું ઊંઘવાથી શરીર વધુ એનર્જી વાપરે છે અને તેનાથી વજન ઘટે છે પરંતુ, સ્લીપ મેડિસિન એક્સપર્ટના મતે વાસ્તવિકતા આનાથી સાવ ઊંધી છે.ઓછી ઊંઘ લેવાથી વજન વધવાનું જોખમ અનેક ગણું વધી જાય છે.
હોર્મોન્સનું અસંતુલન વધારે છે ભૂખ
એક્સપર્ટના જણાવ્યા અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ દરરોજ જરૂરી 7થી 9 કલાકની પૂરતી ઊંઘ નથી લેતી ત્યારે શરીરના હોર્મોનલ સંતુલન પર માઠી અસર પડે છે. ખાસ કરીને ‘ઘ્રેલિન’ (Ghrelin) અને ‘લેપ્ટિન’ (Leptin) નામના હોર્મોન્સ પ્રભાવિત થાય છે. ઊંઘની અછતને કારણે શરીરમાં ઘ્રેલિનનું પ્રમાણ વધી જાય છે અને લેપ્ટિન ઘટી જાય છે. પરિણામે વ્યક્તિને વારંવાર ભૂખ લાગે છે અને વધુ કેલરીવાળો ખોરાક તથા જંકફૂડ ખાવાની ઈચ્છા થાય છે.
- ઘ્રેલિન: ભૂખ વધારવાનું કામ કરે છે.
- લેપ્ટિન: પેટ ભરાઈ ગયાનો સંકેત મગજને આપે છે.
સ્ટ્રેસ હોર્મોન અને પેટની ચરબી
ઓછી ઊંઘ લેવાથી શરીરમાં કોર્ટિસોલ (Cortisol) એટલે કે સ્ટ્રેસ હોર્મોનનું લેવલ પણ વધી જાય છે. શરીરમાં કોર્ટિસોલનું વધુ પ્રમાણ પેટની આસપાસ ચરબી (Fat) જમા કરવા અને ઈન્સ્યુલિનની અસરકારકતા ઘટાડવા સાથે જોડાયેલું છે. આ જ કારણ છે કે લાંબા સમય સુધી ઊંઘની કાળજી ન રાખવાથી સ્થૂળતા (Obesity) અને ટાઈપ-2 ડાયાબિટીસનું રિસ્ક વધી જાય છે.
વજન નિયંત્રણ માટે ડોક્ટરની મહત્વની સલાહ
ડૉક્ટર વધુમાં જણાવે છે કે પૂરતી ઊંઘ ન મળવાથી વ્યક્તિ દિવસભર થાક અનુભવે છે, જેથી શારીરિક પ્રવૃત્તિ કે કસરત કરવાની ઈચ્છા ઘટતી જાય છે. વજન કંટ્રોલમાં રાખવા માટે માત્ર ડાયેટ અને એક્સરસાઈઝ જ નહીં, પરંતુ પૂરતી ઊંઘ પણ એટલી જ જરૂરી છે. જો પૂરતી ઊંઘ લીધા છતાં સતત થાક, નકોરા બોલવા કે વજન ઝડપથી વધવા જેવી સમસ્યા રહેતી હોય તો સ્લીપ સ્પેશિયાલિસ્ટ કે ડોક્ટરની સલાહ અચૂક લો.
સ્વાસ્થ્ય સચવાય તે માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
- દરરોજ સુવા અને ઊઠવા માટે એક ચોક્કસ સમય નક્કી કરો.
- સુવાના ઓછામાં ઓછા 1 કલાક પહેલાં મોબાઈલ, ટીવી કે લેપટોપની સ્ક્રીનથી દૂર રહો.
- સાંજના સમય પછી કેફીન (ચા-કોફી) નું સેવન ટાળો.




Leave a Comment