અમદાવાદ શહેરમાં ખાંડના ભાવમાં થયેલા ઉછાળા બાદ ચા અને કોફીના ભાવમાં ₹5નો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ખાંડના ભાવમાં ઝડપી વધારો થતાં ચાની કિટલીઓ ચલાવતા વેપારીઓ માટે પણ ભાવ વધારવો જરૂરી બન્યો છે. હવે રોજ ચા પીતા ગ્રાહકોના બજેટ પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે.
10 દિવસમાં ખાંડ ₹45થી વધીને ₹70ને પાર
સ્થાનિક હોલસેલ અને રિટેલ બજારમાં ખાંડના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વધારો નોંધાયો છે. આશરે 10 દિવસ પહેલાં જે ખાંડ ₹45 પ્રતિ કિલો આસપાસ મળતી હતી, તેનો ભાવ હવે ₹70ને પાર પહોંચી ગયો છે. ખાંડના ભાવમાં થયેલા આ ઉછાળાથી ચા-કોફી બનાવવાનો ખર્ચ વધ્યો છે. તેની અસર હવે શહેરની ચાની કિટલીઓ અને નાની હોટલો પર જોવા મળી રહી છે.
અડધી કટીંગ ચા હવે ₹15માં
ખાંડ મોંઘી થતાં અમદાવાદમાં ચા-કોફીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ₹10માં મળતી અડધી કટીંગ ચા હવે ₹15માં મળશે. જ્યારે ₹15ની અડધી કોફીનો ભાવ વધારીને ₹20 કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેટલીક ચાની કિટલીઓ પર ₹10નું ચા પાર્સલ બંધ કરીને હવે ઓછામાં ઓછું ₹15થી ₹20નું પાર્સલ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ખાંડ સાથે દૂધ અને ગેસના ખર્ચનો પણ બોજ
ચા બનાવવામાં માત્ર ખાંડ જ નહીં, પરંતુ દૂધ, ગેસ અને અન્ય સામગ્રીનો પણ ઉપયોગ થાય છે. દૂધ અને ગેસના ભાવ પહેલેથી જ ઊંચા હોવાથી હવે ખાંડના ભાવમાં થયેલા વધારાએ ચાની કિટલીના સંચાલકોનો ખર્ચ વધુ વધારી દીધો છે. વેપારીઓનું કહેવું છે, કે ખર્ચમાં સતત વધારો થતો હોવાથી જૂના ભાવે ચા-કોફી વેચવી મુશ્કેલ બની રહી છે.




Leave a Comment