લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

5 ઈંચ વરસાદ અને અમદાવાદ પાણી-પાણી! પોશ વિસ્તારોમાં રસ્તા કે નદી? SBR-બોપલ-આંબલીમાં ભારે હાલાકી

by

Thenewsdk

Updated: 15-09-2026, 11.15 AM

Follow us:

બોપલના સ્ટર્લિંગ સિટી સેક્ટર ‘એ’ અને ‘બી’ વચ્ચેનો રસ્તો થલતેજ અને બોડકદેવ વોર્ડની હદને અલગ પાડે છે. વોર્ડની હદના વિવાદને કારણે સ્ટોર્મવોટર લાઈનનું કામ અટવાયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

બીજી તરફ સિંધુભવન રોડ, ક્લબ ઓ-7 રોડ અને કર્ણાવતી ક્લબથી ઇસ્કોન તરફ જતા રસ્તા પર પણ ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જુલાઈના ભારે વરસાદ બાદ મ્યુનિસિપલ તંત્રને પાણીના નિકાલ માટે વ્યવસ્થા ગોઠવવા પૂરતો સમય મળ્યો હોવા છતાં સોમવારના વરસાદે ફરી તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે.

શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા પાણીમાં ગરકાવ
અમદાવાદના નેહરુનગર એસટી પિકઅપ સ્ટેન્ડમાં પાણી ભરાતા મુસાફરો અટવાયા હતા. પેલેડિયમ મોલ પાસેનો સર્વિસ રોડ પણ જળમગ્ન થયો હતો. વસ્ત્રાપુર તળાવથી આલ્ફા વન મોલ તરફ જતા રસ્તા પર પાણી ભરાયા હતા, જ્યારે હિમાલય મોલ પાસે ફરી દુકાનોમાં પાણી ઘૂસી ગયાં હતાં.

પરિમલ ચાર રસ્તા પાસે ડ્રેનેજ લાઈન બેક મારતા ગટરના પાણી ભરાયા હતા અને પ્રહલાદનગરના મુખ્ય માર્ગ પર પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. મકરબા પોલીસ હેડક્વાર્ટર પાસે ગટરના પાણીના ફુવારા ઊડ્યા હતા. નારણપુરાના અંકુર ચાર રસ્તા પર ચારેકોર પાણી ભરાયું હતું અને થલતેજ ગામ જાણે જળાશયમાં ફેરવાયું હતું. એસજી હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો,

જ્યારે આરટીઓ સર્કલ પાસે પાણી ભરાતા વાહનોની લાંબી કતારો લાગી હતી. મણિનગર સ્ટેશન રોડ પર પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી અને એપરેલ પાર્ક મેટ્રો સ્ટેશન પાસે ટ્રેક્ટર પાણીમાં ફસાયું હતું.

માણેકબાગમાં પાણી ભરાતા કેટલાક વાહનો બંધ પડી ગયા હતા અને વાહનચાલકોને ધક્કા મારવાની ફરજ પડી હતી. સાબરમતી નદીનું જળસ્તર વધતા રિવરફ્રન્ટનો વોકવે પણ પાણીમાં ગરકાવ થયો હતો. હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાતા વાહનો ફસાયા હતા, જ્યારે નિકોલના શુકન ચાર રસ્તા નજીકની કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા હતા.

24 કલાકમાં અમદાવાદમાં સરેરાશ સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 3.54 ઈંચ વરસાદ નોંધાયો છે. સોમવારે સવારે 6થી બપોરે 2 વાગ્યા દરમિયાન જ સરેરાશ 3.42 ઈંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે બપોરે 2થી રાત્રે 10 વાગ્યા સુધીમાં 0.11 ઈંચ વરસાદ નોંધાયો હતો.

આજે (15 સપ્ટેમ્બર) વહેલી સવારથી વરસાદે વિરામ લીધો છે. ઝોન પ્રમાણે સૌથી વધુ સરેરાશ વરસાદ સાઉથ વેસ્ટ ઝોનમાં 5.13 ઈંચ અને સાઉથ ઝોનમાં 4.90 ઈંચ નોંધાયો હતો. નોર્થ વેસ્ટ ઝોનમાં 3.35 ઈંચ, ઈસ્ટ ઝોનમાં 3.32 ઈંચ, વેસ્ટ ઝોનમાં 3.11 ઈંચ, સેન્ટ્રલ ઝોનમાં 3.05 ઈંચ અને નોર્થ ઝોનમાં 1.90 ઈંચ વરસાદ નોંધાયો હતો.

સરખેજ-વટવામાં 5.5 ઈંચથી વધુ વરસાદ
વિવિધ વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ સરખેજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે 5.83 ઈંચ નોંધાયો હતો. વટવામાં 5.63 ઈંચ, લાંભામાં 5.59 ઈંચ, બોપલમાં 5.45 ઈંચ, બકરોલમાં 5.37 ઈંચ, જોધપુર ઝોનલમાં 5.02 ઈંચ, મક્તમપુરામાં 5.00 ઈંચ, બોડકદેવમાં 4.84 ઈંચ, દૂધેશ્વરમાં 4.70 ઈંચ અને જોધપુરમાં 4.65 ઈંચ વરસાદ નોંધાયો હતો.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤