Ahmedabad : ગત રાત્રે હેડ કોન્સ્ટેબલ દીપક ડામોર નશાની હાલતમાં કુહા ગામની ફાસ્ટ ફૂડ લારી પાસે પહોંચ્યા હતા. ત્યાં તેમણે ગેરવર્તન કરીને લારીવાળા સાથે બોલાચાલી શરૂ કરી હતી અને ત્યારબાદ મારઝૂડ પણ કરી હોવાનું જાણવા મળે છે. અચાનક બનેલી આ ઘટનાથી આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.
ગ્રામજનોને જ્યારે ખબર પડી કે ધમાલ મચાવનાર વ્યક્તિ પોલીસકર્મી છે, ત્યારે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. પરિસ્થિતિ વધુ બગડતા એકઠા થયેલા લોકોએ નશામાં ધૂત કોન્સ્ટેબલને માર માર્યો હતો. આ દરમિયાન તેની ગાડીની પણ તપાસ કરવામાં આવી હતી, જેમાંથી દારૂની ભરેલી તથા ખાલી બોટલો મળી આવી હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની ગંભીરતા જોતા 112 પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ 112ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સ્થિતિ કાબૂમાં લીધી હતી. સ્થળ પર પહોંચેલી ટીમે નશામાં ધૂત પોલીસકર્મીને ત્યાંથી દૂર કર્યો હતો. બીજી તરફ, ફરિયાદી પક્ષને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. જોકે, રાતના લગભગ 3 વાગ્યા સુધી તાત્કાલિક કોઈ કડક કાર્યવાહી થઈ ન હતી અને માત્ર અરજી લઈને મામલો અટકાવાયો હતો. આ બાબતે સ્થાનિક લોકોમાં પણ અસંતોષ જોવા મળ્યો હતો.
આ સમગ્ર ઘટના વિશે કણભા પોલીસ સ્ટેશનના PIએ સ્પષ્ટતા કરી હતી કે, વીડિયોમાં મારામારી કરતો વ્યક્તિ 112નો કર્મચારી નથી, પરંતુ કણભા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ દીપક ડામોર છે. PIના જણાવ્યા પ્રમાણે, તેમણે દારૂ પીધો હતો અને ફાસ્ટ ફૂડની લારી પર જઈને ઝઘડો કર્યો હતો, જે વાત સાચી છે. આ પછી તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


Leave a Comment