સિવિલ હોસ્પિટલ પહોંચ્યા બાદ આરોપી ધર્મસિંહ પોલીસ સમક્ષ માફી માગતો જોવા મળ્યો હતો. લંગડાતા-લંગડાતા તેણે સ્ટ્રેચર પરથી પણ બંને હાથ જોડીને પોલીસકર્મીઓને કહ્યું હતું, ‘સાહેબ હવે પછી આવું નહીં થાય, એકવાર માફ કરી દો…’ આરોપી વારંવાર આ જ વાતનું રટણ કરતો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, દુષ્કર્મ કેસમાં આરોપી ધર્મસિંહને પંચનામાની કાર્યવાહી માટે લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે અચાનક પોલીસ કાફલા પર હુમલો કર્યો હતો અને પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી રિવોલ્વર છીનવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈ પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. ગોળી આરોપીના પગમાં વાગતાં તેનો ભાગવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.
ઝપાઝપીમાં પોલીસકર્મી પણ ઘાયલ
આરોપી અને પોલીસ વચ્ચે થયેલી ઝપાઝપીમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. ફાયરિંગ બાદ આરોપી અને ઘાયલ પોલીસકર્મીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
ઘટનાની ગંભીરતાને પગલે હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો હતો. ફાયરિંગની ઘટનાની જાણ થતાં JCP અને DCP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીએ કયા સંજોગોમાં પોલીસકર્મી પર હુમલો કર્યો અને રિવોલ્વર છીનવી ભાગવાનો પ્રયાસ કેવી રીતે કર્યો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.




Leave a Comment