Ahmedabad temperature 43 degree heatwave alert : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે પણ ગરમીની અસરને ધ્યાનમાં રાખીને ખાસ પગલાં લીધાં છે. IMDના આંકડા અને સેટેલાઇટ આધારિત અભ્યાસના આધારે શહેરના 76 વિસ્તારને હીટ હોટસ્પોટ તરીકે ઓળખવામાં આવ્યા છે.
પૂર્વ અમદાવાદમાં આવેલા લાંભા વોર્ડમાં સૌથી વધુ 12 હોટસ્પોટ નોંધાયા છે. ઉપરાંત વટવા, રામોલ, વસ્ત્રાલ અને રાણીપ જેવા વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. બપોરે 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીનો સમય સૌથી વધુ જોખમી ગણવામાં આવ્યો છે.

AMCના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા નાગરિકો માટે ખાસ એડવાઈઝરી જાહેર
આકરા તાપને ધ્યાનમાં રાખીને તંત્રએ નાગરિકોને ખાસ તકેદારી રાખવા અપીલ કરી છે. ખાસ કરીને બપોરના સમયે જરૂર વગર ઘરની બહાર ન નીકળવા જણાવાયું છે. બહાર જવું અનિવાર્ય હોય તો હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરવા, માથું ઢાંકી રાખવું અને છત્રી, ટોપી કે રૂમાલનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે.
ગરમીમાં શરીરમાં પાણીની કમી ન થાય તે માટે વારંવાર પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. છાશ, લીંબુ પાણી અને નાળિયેર પાણી જેવા તાજગી આપતા પીણાં પણ ઉપયોગી બની શકે છે.
ખોરાક બાબતે પણ ખાસ સાવચેતીની જરૂર
ખોરાક બાબતે પણ સાવચેતી રાખવાની જરૂર છે. વાસી ખોરાકથી દૂર રહેવા, ભારે ભોજન ઓછું લેવા અને ચા, કોફી તથા સોડાનું પ્રમાણ ઘટાડવા જણાવાયું છે. નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધો માટે વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે,
કારણ કે ગરમીનો પ્રભાવ તેમના આરોગ્ય પર વધુ ઝડપથી પડી શકે છે. જો માથામાં દુખાવો, ચક્કર આવવા, ઉબકા, કમજોરી કે થાક જેવા લક્ષણો દેખાય, તો તરત નજીકના અર્બન હેલ્થ સેન્ટર અથવા હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ.

રાજકોટ બન્યું સૌથી ગરમ શહેર
રાજ્યના અન્ય ભાગોમાં પણ ગરમીનો પ્રકોપ તેજ થયો છે. મંગળવારે, 21 એપ્રિલ 2026ના રોજ, રાજકોટ 41.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. અમરેલીમાં પણ તાપમાન 40.9 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.
વડોદરા અને ડીસામાં 39.6 ડિગ્રી, જ્યારે ભુજમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં થોડી રાહત મળી હતી, જ્યારે વેરાવળમાં 31.3 ડિગ્રી અને દ્વારકામાં 30.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું.




Leave a Comment