Ahmedabad News: અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે.
હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલી ડ્રેનેજ લાઈનની સફાઈ માટે ઉતરેલા ત્રણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સેફ્ટી સાધનોના અભાવે ઝેરી ગેસની ગૂંગળામણથી બેભાન થઈ ગયા હતા. આ ઘટનામાં સારવાર દરમિયાન એક યુવકનું મોત થયું હોવાના આક્ષેપ સાથે હોસ્પિટલ કેમ્પસમાં ભારે રોષ ફેલાયો છે.
સેફ્ટી વિના જ ડ્રેનેજમાં ઉતારાયા હોવાનો આક્ષેપ
મળતી માહિતી મુજબ, ગઈકાલે સાંજે યુ.એન. મહેતા હોસ્પિટલના બેઝમેન્ટમાં ડ્રેનેજ લાઈનની સફાઈ કામગીરી ચાલી રહી હતી.
આ દરમિયાન કોન્ટ્રાક્ટ પર કામ કરતા પ્રવીણ વાઘેલા, સાહિલ નાડિયા અને રોકી મેકવાનને કોઈપણ પ્રકારના સુરક્ષા સાધનો વિના જ ડ્રેનેજ લાઈનની અંદર ઉતારવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. ડ્રેનેજમાં ઝેરી ગેસ ભરાયેલો હોવાને કારણે ગૂંગળામણ થતા ત્રણેય શ્રમિકો બેભાન થઈ ગયા હતા.
ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડ્યા
ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ ડ્રેનેજ લાઈનમાંથી ત્રણેય યુવકોને બેભાન અને ગંભીર હાલતમાં બહાર કાઢ્યા હતા.
રેસ્ક્યુ ઓપરેશન બાદ ત્રણેયને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો, કે ત્યારબાદ એક યુવકનું મોત થયું હોવાના અહેવાલો સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો છે.




Leave a Comment