થરાદ તાલુકાની ભોરોલ જિલ્લા પંચાયત બેઠકને લઈને વિવાદ ઉભો થયો છે. અહીં જોગાજી રાજપૂતે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ તરફથી ઉમેદવારી ફોર્મ ભરતા કાનૂની સ્થિતિ જટિલ બની છે.
ગેનીબેનનું કહેવું છે કે ચૂંટણીના નિયમો અનુસાર જે ફોર્મ સૌથી પહેલા ભરાય છે, તેને માન્ય ગણવું જોઈએ. તેમ છતાં વહીવટી તંત્ર સત્તાધારી પક્ષના દબાણ હેઠળ કામ કરી રહ્યું હોવાનું તેમણે આરોપ લગાવ્યો છે. તેમના મતે આ પ્રકારે નિયમોની અવગણના કરવી લોકશાહી માટે ખતરનાક છે.
કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા રાજકીય માહોલ તંગ
બીજી તરફ ભાભર તાલુકાની મીઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા રાજકીય માહોલ વધુ તંગ બન્યો છે. ગેનીબેને જણાવ્યું કે ઉમેદવાર પાસે જરૂરી તમામ દસ્તાવેજો હોવા છતાં તેનું ફોર્મ નામંજૂર કરવામાં આવ્યું, જ્યારે સમાન પરિસ્થિતિમાં અન્ય ઉમેદવારને મંજૂરી આપવામાં આવી છે.
તેમણે આ ઘટનાને સ્પષ્ટ પક્ષપાત ગણાવ્યો અને કહ્યું કે, આ નિર્ણય રાજકીય દબાણના કારણે લેવાયો છે. આ મામલો હવે હાઈકોર્ટ સુધી લઈ જવાની તૈયારી કોંગ્રેસ તરફથી દર્શાવવામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનની ચેતવણી
ચૂંટણી સમયે જ તેમના નજીકના સહયોગીએ પક્ષ બદલી ભાજપમાં જોડાવાની ઘટનાને લઈને પણ ગેનીબેને પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, “જે લોકો વિશ્વાસઘાત કરે છે, તેઓને જનતા ક્યારેય માફ નહીં કરે. પક્ષ અને પ્રજાના વિશ્વાસ સાથે દ્રોહ કરનારાઓને આવનારા સમયમાં લોકો યોગ્ય જવાબ આપશે.” વહીવટી તંત્ર સામે ગેનીબેનનો સ્વર ખાસ કરીને આક્રમક રહ્યો.
તેમણે અધિકારીઓને ચેતવણી આપી કે તેઓએ કોઈ પણ રાજકીય પક્ષના દબાણમાં આવીને કામ કરવું નહીં જોઈએ. તેઓ પ્રજાના કરથી પગાર મેળવે છે અને તેમની ફરજ નિષ્પક્ષ રીતે કામ કરવાની છે. જો આ રીતે ભેદભાવભર્યું વર્તન ચાલુ રહેશે, તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ તેમણે ચેતવણી આપી.




Leave a Comment