ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાએ જોર પકડ્યું છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. નાઉકાસ્ટ મુજબ, દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરમિયાન સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં માત્ર ચાર કલાકમાં જ અંદાજે 3 ઇંચ વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે.
દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે નાઉકાસ્ટ હેઠળ સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં આગામી ત્રણ કલાક માટે અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળાઓમાં જળસ્તર વધવા અને વાહનવ્યવહાર પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સુરતના પલસાણામાં ચાર કલાકમાં 3 ઇંચ વરસાદ
સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના માત્ર ચાર કલાકમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં અંદાજે 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર આવ્યું હતું.
12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત ઉપરાંત હવામાન વિભાગે રાજ્યના અન્ય 12 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
59 તાલુકામાં વરસાદી માહોલ
રાજ્યના કુલ 59 તાલુકાઓમાં વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે લોકોને જરૂરી સાવચેતી રાખવા, નદી-નાળાઓથી દૂર રહેવા તેમજ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.




Leave a Comment