જંબુસરની યુવતી BHMSનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વડોદરાની એક હોસ્પિટલમાં નોકરી કરતી હતી. પરિવારના જણાવ્યા મુજબ, 7 મે 2026ના રોજ યુવતીએ ફોન કરીને પોતે કોર્ટ મેરેજ કરી લીધા હોવાનું કહ્યું હતું. તેણે પરિવારને હવે ઘરે પરત નહીં આવવાની વાત પણ કરી હતી.
પરિવારના જણાવ્યા મુજબ, યુવતી ઘરમાંથી આશરે 6 તોલાનો સોનાનો હાર પણ પોતાની સાથે લઈ ગઈ હતી. ત્યારબાદ પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી અને વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જંબુસર પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી.
યુવકના પરિવાર તરફથી મેરેજ સર્ટિફિકેટ રજૂ કરાયું
આ દરમિયાન પરિવારને જાણ થઈ કે યુવતી સાથે કરજણ તાલુકાના કિયા ગામના ફેઝલ મજીદ દિવાને લગ્ન કર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ફેઝલના મામા દ્વારા જંબુસર પોલીસ સમક્ષ એક મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું.
આ પ્રમાણપત્રને લઈને યુવતીના પરિવારને શંકા જતા તેમણે તેની સરકારી કચેરીમાં ખરાઈ કરાવી હતી. વડોદરાની સંબંધિત સબ-રજિસ્ટ્રાર અને લગ્ન નોંધણી કચેરીના રેકોર્ડની તપાસમાં ફેઝલ અને યુવતીના નામે લગ્ન નોંધાયેલા ન હોવાનું લેખિતમાં જણાવાયું હતું. કચેરીએ આવું કોઈ લગ્ન પ્રમાણપત્ર જારી કર્યું ન હોવાનું પણ સ્પષ્ટ કર્યું હતું.
નકલી પ્રમાણપત્ર મામલે પોલીસ કાર્યવાહી
લગ્ન પ્રમાણપત્રની ખરાઈ બાદ યુવતીના પિતાએ જંબુસર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ફેઝલ મજીદ દિવાન સામે છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજ સાથે સંકળાયેલી જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તપાસ દરમિયાન આ પ્રમાણપત્ર કોણે બનાવ્યું, તેમાં કયા લોકોની સંડોવણી હતી અને પ્રમાણપત્ર પર દર્શાવવામાં આવેલી સહી તથા અન્ય વિગતોની ખરાઈ કેવી રીતે કરવામાં આવી હતી તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.




Leave a Comment