ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર જુગાર અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન સર્વેલન્સ સ્ક્વોડને બાતમી મળી હતી કે રણાસણ ગામની સીમમાં સર્વે નંબર-147ના ખેતરમાં આવેલી લેબર કોલોનીના પ્રથમ માળના રૂમમાં રાકેશભાઈ રણછોડભાઈ ભરવાડ બહારથી લોકોને બોલાવી પાના-પત્તા દ્વારા પૈસાની હાર-જીતનો જુગાર રમાડી રહ્યા છે. બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો, જ્યાં કેટલાક ઈસમો જુગાર રમતા મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.
₹6.69 લાખ રોકડા સહિત લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન પોલીસને દાવ પરથી ₹33,500 રોકડા મળી આવ્યા હતા. જ્યારે પકડાયેલા ઈસમોની અંગજડતીમાંથી ₹6,35,000 મળી આવ્યા હતા. આમ કુલ ₹6,69,000 રોકડ કબજે કરવામાં આવી હતી.
આ ઉપરાંત પોલીસે ₹5,42,000ની કિંમતના 11 મોબાઈલ ફોન, 52 ગંજી પાના તેમજ ₹92 લાખની કિંમતની પાંચ ફોર-વ્હીલર કાર અને તેની ચાવીઓ જપ્ત કરી હતી. આમ પોલીસ દ્વારા કુલ ₹1,04,11,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
11 ઈસમોની ધરપકડ
પોલીસે સ્થળ પરથી જુગાર રમતા 11 ઈસમોની ધરપકડ કરી છે. જેમાં રણજીતસિંહ ઓમસિંહ સોલંકી, સતીષજી ખદુજી ઠાકોર, વિજયકુમાર રાવજીભાઈ પટેલ, વિશાલ નરેશભાઈ બ્રહ્મભટ્ટ, કિરણભાઈ કચરાભાઈ પ્રજાપતિ, રમેશભાઈ રેવાભાઈ ભરવાડ, રાજુભાઈ રાયભાઈ ભરવાડ, રાકેશભાઈ દશરથભાઈ પટેલ, રમેશભાઈ રણછોડભાઈ ભરવાડ, રાકેશભાઈ રણછોડભાઈ ભરવાડ અને દિનેશભાઈ વિરમભાઈ દેસાઈનો સમાવેશ થાય છે.




Leave a Comment