ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વરસાદી માહોલ જામવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્્યતા છે. ખાસ કરીને ૨ અને ૩ જુલાઈ દરમિયાન અનેક જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જાવા મળી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન પવનની ગતિ ૪૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જેના કારણે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, થરાદ, પાટણ, અરવલ્લી, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી અને વલસાડ જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે.
તે ઉપરાંત કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. ૧ જુલાઈના રોજ દરિયામાં પવન તેજ રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગે લોકોને વરસાદ અને તેજ પવન દરમિયાન જરૂરી સાવચેતી રાખવા તેમજ હવામાન અંગેની તાજી માહિતી પર નજર રાખવાની સલાહ આપી છે.




Leave a Comment