Vadodara છાણી વિસ્તારમાં રહેતા ગિરીશ પટેલની હત્યા કરવા માટે તેમની પત્ની ફાલ્ગુની અને પ્રેમી કૌશિક શર્માએ રચેલું ષડયંત્ર અત્યંત ફિલ્મી ઢબે નિષ્ફળ ગયું છે. આ કેસની તપાસ કરી રહેલી છાણી પોલીસે અત્યાર સુધીમાં પત્ની ફાલ્ગુની અને પ્રેમી કૌશિક સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે,
પરંતુ સોપારી લેનાર મુખ્ય સૂત્રધાર નરેન્દ્રગિરિ ઉર્ફે નિકુલ ગોસ્વામી હજુ પોલીસના હાથમાં આવ્યો નથી. તેને ઝડપી પાડવા માટે ત્રણ અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.
પત્ની અને પ્રેમીનો ખતરનાક પ્લાન
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, વસોના બામરોલી ગામનો વતની અને હેર સલૂન ચલાવતો કૌશિક શર્મા ગિરીશ પટેલની પત્ની ફાલ્ગુની સાથે પ્રેમ સંબંધમાં હતો. ગિરીશને રસ્તામાંથી હટાવવા માટે કૌશિક અને ફાલ્ગુનીએ મળીને હત્યાનો પ્લાન ઘડ્યો હતો.
કૌશિકે તેના પરિચિત નિલકંઠ મારફતે વડોદરાના નિકુલ ગોસ્વામીને 35 હજાર રૂપિયામાં ગિરીશની સોપારી આપી હતી. નિકુલે આ કામ માટે રુદ્ર રાવળ નામના યુવક પાસે ગિરીશની રેકી કરાવી હતી.
મોતને હાથતાળી આપીને પરત ફર્યો ગિરીશ
ષડયંત્ર મુજબ, નિકુલના સાગરીતોએ કારમાં ગિરીશનું અપહરણ કર્યું અને તેને સોજીત્રા પાસેની કેનાલમાં મારવાના ઈરાદે ફેંકી દીધો હતો. જોકે, કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું.
કેનાલના ધસમસતા પ્રવાહમાં તણાતા ગિરીશના હાથમાં નસીબજોગે એક પીલર (થાંભલો) આવી ગયો હતો. આખી રાત કેનાલના ઠંડા પાણીમાં પિલર પકડીને વીતાવ્યા બાદ, સવારે ગિરીશ માંડ-માંડ જીવ બચાવી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો.
સોશિયલ મીડિયા અને ટેકનોલોજીનો ઉપયોગ
પોલીસને પ્રબળ આશંકા છે કે આ સમગ્ર હત્યાનું ષડયંત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રચાયું હતું. પુરાવા મેળવવા માટે પોલીસે કૌશિક અને ફાલ્ગુનીના મોબાઈલ ફોન કબજે કર્યા છે. તેમની ચેટ હિસ્ટ્રી, ડિલીટ કરેલા મેસેજ અને સર્ચ હિસ્ટ્રી રિકવર કરવા માટે ફોરેન્સિક એક્સપર્ટ્સની મદદ લેવામાં આવી રહી છે.
બંને મોબાઈલને એફએસએલ (FSL) માં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. આ ઉપરાંત સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેઈલ્સ (CDR) પણ પોલીસ માટે મહત્વના પુરાવા સાબિત થયા છે.
પુરાવા ના છોડવા અપહરણકારોની હોશિયારી
તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે અપહરણકારોએ ગિરીશને ચાકુ બતાવી તેની પાસેથી એટીએમ કાર્ડ અને 400 રૂપિયા લૂંટી લીધા હતા. તેમણે ગિરીશ પાસેથી એટીએમ પિન પણ મેળવી લીધો હતો,
પરંતુ પકડાઈ જવાના ડરથી તેમણે કાર્ડનો ઉપયોગ કર્યો નહોતો. તેમને ડર હતો કે એટીએમ સેન્ટર પરના સીસીટીવી કેમેરામાં તેમનો ચહેરો આવી શકે છે, જે પોલીસ માટે મજબૂત પુરાવો બની શકે છે.




Leave a Comment