વડોદરા શહેરના સૂર્યનગર-તરસાલી બાયપાસ નજીક આવેલા એક રિપેરિંગ કારખાનામાં ઊભેલી લક્ઝરી બસના ઓટોમેટિક દરવાજામાં 7 વર્ષીય માસૂમ બાળક દિવ્યેશનું ગળું ફસાઈ જતાં કરૂણ મોત નિપજ્યું છે. બીજા ધોરણમાં અભ્યાસ કરતો દિવ્યેશ સવારે શાળાએથી ઘરે આવ્યા બાદ પ્રસાદ લેવા જવાનું કહીને નીકળ્યો હતો પરંતુ,
થોડા જ સમયમાં તેનો મૃતદેહ બસના ઓટોમેટિક દરવાજા વચ્ચે ફસાયેલી હાલતમાં મળી આવતાં શ્રમિક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સ્થાનિકોની મદદથી બાળકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
બનાવ સમયના જ 15 મિનિટના સીસીટીવી ગાયબ થતાં શંકા ઘેરાઈ
આ સમગ્ર દર્દનાક બનાવમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બાળકના મૃત્યુ પહેલાંના અને પછીના તમામ ફૂટેજ ઉપલબ્ધ છે
પરંતુ, જે 15 મિનિટના સમયગાળા દરમિયાન આ બનાવ બન્યો તે જ સમયના અત્યંત મહત્વપૂર્ણ સીસીટીવી ફૂટેજ ગાયબ છે. કારખાનાના સંચાલકો દ્વારા તે સમયે વીજળી ગુલ થઈ ગઈ હોવાનું બહાનુ રજૂ કરવામાં આવી રહ્યું છે પરંતુ, બરાબર ઘટનાના સમયે જ પાવર કટ થવો અને ફૂટેજ ન મળવાને કારણે આ અકસ્માત છે કે કોઈનું ષડયંત્ર તે અંગે અનેક આશંકાઓ સેવાઈ રહી છે.




Leave a Comment