ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી ભરોસાપાત્ર, શાંત અને સંકટમોચક બેટ્સમેન અજિંક્ય રહાણે હવે મેદાન પર રન બનાવતો જોવા મળશે નહીં. સીનિયર ક્રિકેટર અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે-સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માંથી પણ નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરીને કરોડો ક્રિકેટ ચાહકોને ભાવુક કરી દીધા છે.
મારી કારકિર્દીનો આ એક નવો પડાવ
પોતાના આ નિર્ણય પર વિરામ મૂકતાં રહાણેએ જણાવ્યું હતું કે, “આ મારી કારકિર્દીનો એક નવો પડાવ છે. મને લાગે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે રમતને અલવિદા કહેવાનો અને આગળ વધવાનો આ બિલકુલ યોગ્ય સમય છે.”
ટીમ ઈન્ડિયાનો ‘મિસ્ટર ડીપેન્ડેબલ’
અજિંક્ય રહાણેએ વર્ષો સુધી ભારતીય મિડલ ઓર્ડરની કમાન સંભાળીને ટીમને અનેક મુશ્કેલ સ્થિતિઓમાંથી બહાર કાઢી છે. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં જ્યારે પણ ટીમ ઈન્ડિયા બેકફૂટ પર હોય ત્યારે રહાણે પોતાની ટેક્નિક અને ધીરજથી દિવાલ બનીને ઊભો રહી જતો. તેમણે માત્ર એક શ્રેષ્ઠ બેટ્સમેન તરીકે જ નહીં પરંતુ, એક સજ્જન અને પ્રભાવશાળી સુકાની તરીકે પણ ભારતીય ક્રિકેટમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે.
ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હરાવી રોમાંચક જીત નોંધાવી
રહાણેની કરિયરની સૌથી સુવર્ણ અને યાદગાર ક્ષણ 2020-21નો ઓસ્ટ્રેલિયા પ્રવાસ રહી હતી. એડિલેડ ટેસ્ટમાં ભારતીય ટીમ માત્ર 36 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ત્યારબાદ તત્કાલીન કેપ્ટન વિરાટ કોહલી પણ સ્વદેશ પરત ફર્યા હતા.
ટીમ મુખ્ય ખેલાડીઓની ઈજાઓથી ઝઝૂમી રહી હતી. એવા કપરા સમયમાં અજિંક્ય રહાણેએ ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળી. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે તેમણે સામેથી નેતૃત્વ કરતા શાનદાર સદી ફટકારી અને ટીમને જીત અપાવી.
આ જ સીરીઝમાં તેમની કપ્તાની હેઠળ ભારતે ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં 2-1થી હરાવીને ટેસ્ટ ઇતિહાસની સૌથી રોમાંચક અને યાદગાર જીત નોંધાવી હતી.




Leave a Comment