ગુજરાતના રમતજગતમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મેડલ જીતવાની દોડમાં કેટલાક રમતવીરો પ્રતિબંધિત નશીલી દવાઓના ઉપયોગના રવાડે ચડી ગયા હોવાનું ડોપ ટેસ્ટમાં બહાર આવ્યું છે. કેન્દ્રીય રમતગમત મંત્રાલયના આ ઘટસ્ફોટે ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી અને રમતગમત વિભાગ સામે અનેક સવાલો ઊભા કર્યા છે.
ત્રણ વર્ષમાં ગુજરાતના 13 ખેલાડીઓ ડોપિંગમાં પોઝિટિવ
રમતવીરો પ્રતિબંધિત પદાર્થોનો ઉપયોગ કરે છે કે નહીં તેની તપાસ માટે નિયમિત ડોપ ટેસ્ટ કરવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં 682 ખેલાડીઓના ડોપ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના કુલ 13 રમતવીરો પ્રતિબંધિત દવાઓના ઉપયોગમાં પોઝિટિવ મળ્યા હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં ડોપ ટેસ્ટના આંકડા મુજબ:
- 2024માં: 6 પોઝિટિવ કેસ
- 2025માં: 5 પોઝિટિવ કેસ
- 2026માં: 2 પોઝિટિવ કેસ
જો, કે આ મામલે દોષિત ખેલાડીઓ સામે લેવામાં આવેલી કાર્યવાહી અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવી નથી.
દોડ અને વેઈટલિફ્ટિંગના ખેલાડીઓ વધુ જોખમમાં
ડોપિંગનું દૂષણ ખાસ કરીને એવી રમતોમાં વધુ જોવા મળે છે જેમાં વધુ શારીરિક ક્ષમતાની જરૂર પડે છે. દોડ, લાંબી કૂદ અને વેઈટલિફ્ટિંગ જેવા ક્ષેત્રોના કેટલાક ખેલાડીઓ ઝડપી પરિણામ મેળવવા માટે પ્રતિબંધિત દવાઓનો સહારો લે છે.
આ દવાઓનો ઉપયોગ સામાન્ય રીતે:
- સ્નાયુઓનો વિકાસ ઝડપી કરવા,
- તાકાત અને સ્ટેમિના વધારવા,
- ફેફસા અને લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવા,
- થાક ઓછો કરવા,
- તાત્કાલિક ઊર્જા મેળવવા માટે
મેડલની લાલચમાં સ્વાસ્થ્ય સાથે ખતરનાક રમત
નિષ્ણાતો અનુસાર, પ્રતિબંધિત દવાઓનો ઉપયોગ ખેલાડીઓના શરીર માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. હૃદય, કિડની, હોર્મોન સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ પર તેની લાંબા ગાળાની ખરાબ અસર પડી શકે છે. થોડા સમયની સફળતા માટે ખેલાડીઓ પોતાની કારકિર્દી અને જીવન બંને જોખમમાં મૂકી રહ્યા છે.
રમતગમત વિભાગ સામે ઉઠ્યા સવાલો
એક તરફ ગુજરાતમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિક્સની યજમાની માટે તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યના ખેલાડીઓ ડોપિંગમાં ઝડપાવાની ઘટનાઓ ચિંતા વધારી રહી છે. રમતવીરોના મોનિટરિંગ, કાઉન્સેલિંગ અને સાચા માર્ગદર્શન માટે પૂરતી વ્યવસ્થા છે કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે.
માત્ર મોટા સ્ટેડિયમ અને બજેટથી રમતગમતનો વિકાસ શક્ય નથી, પરંતુ ખેલાડીઓને યોગ્ય તાલીમ, પોષણ અંગે માર્ગદર્શન અને ડોપિંગ અંગે જાગૃતિ આપવી પણ એટલી જ જરૂરી છે.




Leave a Comment