અનેકવાર નાગરિકો ફોન નંબર બદલ્યા પછી પાસપોર્ટ પોર્ટલ પર તેને અપડેટ કરવાનું ભૂલી જતા હોય છે. પરંતુ આ એક નાની ભૂલ મોટું નુકસાન પહોંચાડી શકે છે. પોલીસ વેરિફિકેશન, એપોઇન્ટમેન્ટ કન્ફર્મેશન, પાસપોર્ટ રિન્યુઅલ માટેની પૂર્વ સૂચના તેમજ પાસપોર્ટ ડિસ્પેચ (રવાના) થવા સંબંધિત તમામ પ્રક્રિયાઓમાં OTP (વન-ટાઇમ પાસવર્ડ) અને SMS ની જરૂર પડે છે. જો સમયસર આ મેસેજ ન મળે અથવા OTP વેરિફિકેશન ન થાય, તો તમારી અરજી અટકી શકે છે અને કેટલીક સ્થિતિમાં પ્રક્રિયા સમયસર પૂરી ન થવાના કારણે મુશ્કેલી ઊભી થઈ શકે છે.
પાસપોર્ટ ઓફિસ ગયા વગર ઘરે બેઠા મફતમાં કરો નંબર ચેન્જ
ઘણા લોકોને એવું લાગે છે કે પાસપોર્ટમાં કોઈ પણ વિગત બદલવા માટે પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK) કે પ્રાદેશિક પાસપોર્ટ કચેરીના ચક્કર મારવા પડશે. પરંતુ આ વાત સંપૂર્ણપણે ખોટી છે.
ભારત સરકારના પાસપોર્ટ સેવાની અધિકૃત વેબસાઇટ દ્વારા તમે ઘરે બેઠા જ તમારા મોબાઇલ કે કમ્પ્યુટરની મદદથી મિનિટોમાં નવો નંબર ઉમેરી શકો છો. આ સેવા સંપૂર્ણપણે મફત છે અને તેના માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ કે ફી ચૂકવવાની જરૂર રહેતી નથી.
પાસપોર્ટ પોર્ટલ પર મોબાઈલ નંબર અપડેટ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત
- સૌપ્રથમ પાસપોર્ટ સેવાની સત્તાવાર વેબસાઇટ www.passportindia.gov.in પર જાઓ.
- હોમ પેજ પર આપેલા “Existing User Login” ઓપ્શન પર ક્લિક કરો.
- તમારી લોગિન ID, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરીને એકાઉન્ટમાં લોગિન કરો.
- લોગિન થયા બાદ મેનૂમાંથી “My Profile” વિભાગમાં જાઓ અને “Contact Details” ઓપ્શન પસંદ કરો.
- હવે જૂના મોબાઈલ નંબરની જગ્યાએ તમારો નવો ચાલુ મોબાઈલ નંબર દાખલ કરો અને “Update” પર ક્લિક કરો.
- તમારા નવા નંબર પર 6 અંકનો OTP આવશે. તેને નિર્ધારિત ખાનામાં દાખલ કરી “Verify OTP” પર ક્લિક કરો. Verification પૂર્ણ થતાં જ સ્ક્રીન પર “Mobile Number Updated Successfully” નો મેસેજ દેખાશે.
નંબર અપડેટ કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
મોબાઈલ નંબર સફળતાપૂર્વક અપડેટ કર્યા પછી પણ કેટલીક બાબતોની કાળજી રાખવી જરૂરી છે. હંમેશાં તમારો મુખ્ય (Primary) અને કાયમી નંબર જ પાસપોર્ટ સાથે લિંક કરો, જેથી SMS એલર્ટ સર્વિસમાં કોઈ વિક્ષેપ ન પડે. નંબર બદલ્યા બાદ એકવાર પ્રોફાઈલમાંથી ‘Log Out’ થઈ ફરીથી ‘Log In’ કરીને નવી વિગતો સેવ થઈ છે કે નહીં તે ચકાસી લો. જો તુરંત નવો નંબર ન દર્શાવે, તો થોડો સમય રાહ જોઈને ફરીથી પ્રોફાઈલ ચેક કરી લેવી હિતાવહ છે.



