દેશમાં નવો લેબર કોડ લાગુ થઈ ગયો છે. આ વચ્ચે એક ખાસ બદલાવ થયો છે, જે દરેક કર્મચારી માટે ખૂબ મહત્વનો છે. હવે જો તમે કોઈ કંપનીમાં કામ કરો છો અને પછી નોકરી છોડી દો, તો તમને માત્ર 2 દિવસની અંદર સંપૂર્ણ સેટલમેન્ટ મળી જશે, એટલે કે નોકરી છોડ્યા પછી બે દિવસમાં જ તમામ પૈસાનો હિસાબ પૂર્ણ થઈ જશે.
અત્યાર સુધીમાં, નોકરી છોડ્યા પછી અથવા નોકરીમાંથી કાઢી મૂકાયા પછી, કર્મચારીઓને તેમના બાકી પૈસા મેળવવા માટે 40થી 45 દિવસ સુધી રાહ જોવી પડતી હતી,
જેના કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ઘરનું ભાડું કે માસિક ખર્ચ માટે પણ તકલીફ પડતી હતી, પરંતુ હવે આ સમસ્યા દૂર થવાની છે. હવે ફુલ સેટલમેન્ટ માત્ર 2 દિવસમાં થઈ જશે. જોકે, કેટલીક શરતો હેઠળ આ સમય 1 મહિના સુધી પણ જઈ શકે છે.
શું છે નવો નિયમ?
1 એપ્રિલ 2026થી નવા નિયમ મુજબ, કંપનીઓએ કર્મચારીઓનું ફુલ એન્ડ ફાઇનલ (FnF) સેટલમેન્ટ માત્ર 2 વર્કિંગ દિવસોમાં પૂર્ણ કરવું પડશે. આ નિયમ Code on Wages, 2019 હેઠળ લાગુ કરવામાં આવ્યો છે.
નવા કાયદા મુજબ, જો કોઈ કર્મચારી નોકરી છોડી દે, તેને કાઢી મુકવામાં આવે અથવા કંપની બંધ થઈ જાય, તો આવી સ્થિતિમાં કંપનીએ તેની બધી જ બાકી ચૂકવણી 2 કામકાજી દિવસોમાં કરવાની ફરજ પડશે. પહેલા આ પ્રક્રિયામાં 30થી 90 દિવસ લાગી જતા હતા.
શું છે ફુલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ?
ફુલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટનો અર્થ એ છે કે, કર્મચારીને તેની નોકરી પૂર્ણ થતાં મળવાપાત્ર તમામ બાકી રકમનો હિસાબ કરીને તેની ચૂકવણી કરવી. તેમાં માત્ર સેલેરી જ નહીં, પણ અન્ય ભથ્થાં અને સેવાઓનો પણ સમાવેશ થાય છે.
શું શું સામેલ હોય છે?
કામના દિવસોના આધારે છેલ્લાં મહિનાની સેલેરી.
બાકી રહેલી રજાના પૈસા.
પરફોર્મન્સ આધારિત બોનસ અથવા ઇન્સેન્ટિવ.
ઓફિસ સંબંધિત ખર્ચ, જેમ કે મુસાફરી કે અન્ય ખર્ચનું રિઇમ્બર્સમેન્ટ.
ટેક્સ, એડવાન્સ સેલેરી, લોન અથવા કંપનીનો સામાન પરત ન આપવાથી થતી કપાત.
ગ્રેચ્યુટી ક્યારે મળે?
નવા લેબર કોડમાં એક મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે, હવે માત્ર એક વર્ષની નોકરી પછી પણ ગ્રેચ્યુટીનો લાભ મળશે. પહેલા પાંચ વર્ષ કામ કર્યા પછી જ ગ્રેચ્યુઇટી મળતી હતી, પરંતુ હવે એક વર્ષ પછી પણ કર્મચારીઓને આ લાભ મળશે. કંપનીએ આ રકમ 30 દિવસની અંદર આપવી પડશે.




Leave a Comment