Story Of Bharat Bhushan: સમાજના દરેક વર્ગના લોકોને બોલિવૂડની ઝાકઝમાળ અને ગ્લેમર આકર્ષે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે ફિલ્મોમાં સફળતા મળ્યા પછી વૈભવ અને સંપત્તિ કાયમ માટે મળી જાય છે. જોકે, બોલિવૂડનો ઇતિહાસ સાક્ષી છે કે સફળતાના શિખરે પહોંચેલા સ્ટાર્સના દિવસો પણ રાતોરાત પલટાઈ શકે છે. આવું જ કંઈક 1950ના દાયકાના સૌથી મોટા સુપરસ્ટાર ભારત ભૂષણ સાથે થયું હતું. ‘બૈજુ બાવરા’, ‘બરસાત કી રાત’ અને ‘મિર્ઝા ગાલિબ’ જેવી સુપરહિટ ફિલ્મો આપનાર ભારત ભૂષણ એક સમયે અઢળક સંપત્તિના માલિક હતા, પરંતુ કેટલાક ખોટા નાણાકીય નિર્ણયોને કારણે તેમણે બધું જ ગુમાવવું પડ્યું હતું.
ભારત ભૂષણની ફિલ્મોથી પ્રેરિત રણવીર સિંહ
ભારત ભૂષણે 1941માં ‘ચિત્રલેખા’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું, પરંતુ 1952માં રિલીઝ થયેલી ફિલ્મો ‘બૈજુ બાવરા’ અને ‘આનંદ મઠ’થી તેઓ લોકપ્રિયતાના શિખરે પહોંચ્યા હતા. ‘બૈજુ બાવરા’ની લોકપ્રિયતા આજે પણ એટલી છે કે ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલી થોડા વર્ષો પહેલાં રણવીર સિંહને લીડ રોલમાં લઈને તેની રિમેક બનાવવાનું આયોજન કરી રહ્યા હતા. જોકે તે પ્રોજેક્ટ આગળ વધી શક્યો નહીં. આ સિવાય 1960ની હિટ ફિલ્મ ‘બરસાત કી રાત’ જેની સ્ક્રિપ્ટ તેમણે સહ-લેખક તરીકે લખી હતી એ પણ ભારે સફળ રહી હતી. આ ફિલ્મની લોકપ્રિયતા એવી હતી કે 6 દાયકા પછી પણ તેના પ્રખ્યાત ગીત “ના તો કારવાં કી તલાશ હૈ”ની રિમેક ‘ધુરંધર’ ફિલ્મ માટે કરવામાં આવી હતી.
કોર્પોરેટ ફંડિંગના અભાવે પ્રોડક્શનમાં ડૂબી ગયા કરોડો રૂપિયા
તે જમાનામાં તેમનું નામ રાજ કપૂર, મીના કુમારી, દિલીપ કુમાર, નર્ગિસ અને મધુબાલા જેવા દિગ્ગજ કલાકારોની હરોળમાં લેવાતું હતું. જોકે ભારત ભૂષણે ફિલ્મોનું પ્રોડક્શન કરવાનું નક્કી કર્યું ત્યારે બધું જ બદલાઈ ગયું. તે દિવસોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજની જેમ કોર્પોરેટ ફંડિંગ, બેંક ફાઇનાન્સ, મ્યુઝિક રાઇટ્સ, સેટેલાઇટ કે OTT રાઇટ્સ જેવું કંઈ નહોતું. ફિલ્મો માત્ર ગણ્યા-ગાંઠ્યા સિનેમા હોલમાં જ ચાલતી હતી અને કલાકારો પોતે જ ફિલ્મોમાં પૈસા રોકતા હતા, જેથી જો ફિલ્મ ફ્લોપ જાય તો બધી મૂડી ડૂબી જવાનું જોખમ રહેતું હતું.
ભારત ભૂષણે એક પછી એક ફિલ્મો પર દાવ લગાવ્યો અને પોતાની આજીવન કમાણી ગુમાવી દીધી. ફિલ્મો ફ્લોપ થતાં એક અભિનેતા તરીકે પણ તેમની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચ્યો અને મોટા ફિલ્મમેકર્સે તેમને કાસ્ટ કરવાનું બંધ કરી દીધું. ગુજરાન ચલાવવા માટે તેમણે પોતાની કાર અને બંગલા વેચવા પડ્યા હતા. તેમણે મુંબઈના મલાડ વિસ્તારમાં એક ફ્લેટ ખરીદ્યો, જેને તે દિવસોમાં મુંબઈની બહારનો વિસ્તાર ગણવામાં આવતો હતો. આ કપરા સમયમાં પણ તેમણે નાના-મોટા અને સાવ ટૂંકા રોલ કરીને કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.
અમિતાભ બચ્ચને ભૂતપૂર્વ સુપરસ્ટારને બસ સ્ટોપ પર જોયા
ભારત ભૂષણના જીવનના આ ગરીબીના સમયગાળા દરમિયાન, સદીના મહાનાયક અમિતાભ બચ્ચને એકવાર તેમને બસ સ્ટેન્ડ પર જોયા હતા. સુપરસ્ટાર બચ્ચને વર્ષ 2008માં પોતાના બ્લોગમાં આ હૃદયસ્પર્શી ઘટના શેર કરી હતી. તેમણે લખ્યું હતું: “એક સવારે જ્યારે હું કામ માટે સાંતાક્રુઝથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે મેં 50ના દાયકાના સૌથી મોટા રોમેન્ટિક હીરો અને સફળ મ્યુઝિકલ ફિલ્મોના સુપરસ્ટાર ભારત ભૂષણને બસ સ્ટોપ પર સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઉભેલા જોયા! તેઓ ભીડનો એક ભાગ હતા, એકલા અને અજાણ્યા. કોઈ તેમને ઓળખતું નહોતું કે કોઈને ખબર નહોતી કે તેઓ કોણ છે.”
![]() |
| ભારત ભૂષણ અને મધુબાલા |
બિગ બીએ વધુમાં લખ્યું હતું કે, “હું કાર રોકીને તેમને તેમની મંજિલ સુધી છોડવા માંગતો હતો, પરંતુ મારામાં એટલી હિંમત નહોતી. મને ડર હતો કે કદાચ તેમને સંકોચ કે શરમ અનુભવાશે. તેથી હું આગળ વધી ગયો, પરંતુ એ દ્રશ્ય મારા મનમાં હંમેશ માટે અંકિત થઈ ગયું. આવું આપણી વચ્ચેના કોઈપણ વ્યક્તિ સાથે થઈ શકે છે.”
વરિષ્ઠ પત્રકાર અલી પીટર જોને પણ ભારત ભૂષણના કરુણ અંત વિશે લખ્યું હતું કે, “તેઓ એટલી હદે આર્થિક રીતે તૂટી ગયા હતા કે તેમણે એક રૂમના એપાર્ટમેન્ટમાં રહેવું પડ્યું હતું. આખરે મલાડના એક નાના ફ્લેટમાં અત્યંત દયનીય સ્થિતિમાં તેમનું અવસાન થયું અને તેમની અંતિમયાત્રામાં માત્ર 8 લોકો હાજર હતા.”
બંગલો ‘આશીર્વાદ’ વેચવો પડ્યો હતો
આર્થિક તંગીના કારણે ભારત ભૂષણને બાંદરા અને પુણેમાં આવેલા પોતાના ત્રણેય બંગલા વેચવા પડ્યા હતા. આ બંગલાઓમાં બાંદરાનો એ પ્રખ્યાત આલીશાન બંગલો પણ સામેલ હતો જે પાછળથી ‘આશીર્વાદ’ નામથી ઓળખાયો અને જેના માલિક આગળ જઈને રાજેન્દ્ર કુમાર અને ત્યારપછી સુપરસ્ટાર રાજેશ ખન્ના બન્યા હતા.
‘મારા પિતા ચોકીદાર તરીકે કામ નહોતા કરતા’: પુત્રી અપરાજિતા ભૂષણનો ખુલાસો
એક સમયે એવી અફવાઓ પણ ઉડી હતી કે ભારત ભૂષણે જીવનના અંતિમ દિવસોમાં ચોકીદાર તરીકે કામ કરવું પડ્યું હતું. જોકે, વર્ષ 2020માં એક ઇન્ટરવ્યુમાં તેમની પુત્રી અપરાજિતા ભૂષણે (જેઓ રામાનંદ સાગરની ‘રામાયણ’માં મંદોદરીના પાત્ર માટે જાણીતા છે) આ અહેવાલોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા હતા.
અપરાજિતાએ જણાવ્યું હતું કે, “મેં એવા ઘણા અહેવાલો વાંચ્યા છે જેમાં દાવો કરાયો છે કે મારા પિતાની સ્થિતિ એટલી ખરાબ હતી કે તેમણે ચોકીદાર તરીકે કામ કરવું પડ્યું હતું. આ બધી વાતો તદ્દન ખોટી છે અને આવી ખોટી માહિતી ફેલાવીને લોકો તેમનું અપમાન કરે છે તેનાથી મને ખૂબ દુઃખ થાય છે.”
પિતાના વ્યક્તિત્વ વિશે અપરાજિતાએ કહ્યું કે, “તેઓ એક પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ ધરાવતાં હતા અને ગૌરવ સાથે જીવ્યા હતા. એ સાચું છે કે ફિલ્મ પ્રોડક્શનમાં ‘દૂજ કા ચાંદ’ જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ જતાં તેમને ભારે નુકસાન થયું હતું, પરંતુ અમે પાલી હિલ, બાંદરા લિંક રોડ અને પુણેના અમારા ત્રણ બંગલા વેચીને એ દેવામાંથી મુક્ત થયા હતા. પાપાએ મલાડ વેસ્ટમાં પોતાના માટે એક એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો અને ત્યાં તેઓ આરામદાયક જીવન જીવતા હતા. તેમણે તે જ ઘરમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ દરમિયાન તેમણે ઘણી ફિલ્મોમાં કેરેક્ટર રોલ તરીકે પૂરા સન્માન સાથે કામ કર્યું હતું.”
વર્ષ 1992માં 72 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટના કારણે ભારત ભૂષણનું અવસાન થયું હતું. હોસ્પિટલ લઈ જતી વખતે જ તેમણે દમ તોડી દીધો હતો અને અંતિમ સમયે તેમની પુત્રી તેમની સાથે જ હતી.



Leave a Comment