Dholka Teacher Death Case: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલિયા વાસણા અને શેખડી ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલના નજીક વસતી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાનો અર્ધ નગ્ન અને સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ચકચારી ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો વળાંક આવ્યો છે. મૃતક મહિલા અન્ય કોઈ નહીં પણ એક શિક્ષિકા હોવાનું અને તેની ઘાતકી હત્યા તેના જ શિક્ષક પતિએ કરી હોવાનો પર્દાફાશ થયો છે.
ઘરકંકાશમાં પત્નીને મોતના ઘાટ ઉતારી મૃતદેહને સળગાવી દીધો
મળતી માહિતી અનુસાર, મૃતક મહિલાનું નામ રીનાબહેન ઝાલા હતું, જેઓ વ્યવસાયે શિક્ષિકા હતા. તેમનો પતિ બળદેવ ઝાલા પણ શિક્ષક છે અને તે ધોળકાની ખાત્રીપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી ઉગ્ર ઘરકંકાશ ચાલતો હતો. આ જ કૌટુંબિક ઝઘડા અને કંકાશથી કંટાળીને શિક્ષક પતિએ પત્ની રીનાબહેનની હત્યા કરી નાખી હતી.
પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ
હત્યા કર્યા બાદ પાપી પતિએ ગુનાના પુરાવાનો નાશ કરવાના ઈરાદે રીનાબહેનની મૃતદેહને નર્મદા કેનાલના પાળા પર લઈ જઈને સળગાવી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આ હત્યા કેસ ઉકેલવા માટે પોલીસે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા. શંકાના આધારે પોલીસે જ્યારે શિક્ષક પતિ બળદેવ ઝાલાની અટકાયત કરીને તેની કડક અને આગવી ઢબે પૂછપરછ શરૂ કરી, ત્યારે તે વધુ સમય ટકી શક્યો નહીં અને પોલીસ સામે ભાંગી પડ્યો હતો. બળદેવ ઝાલાએ પોતાની પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી છે. ધોળકા પોલીસે બળદેવ ઝાલાની ધરપકડ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે શૈક્ષણિક આલમ અને સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.


Leave a Comment