![]()
Shilpa Shinde Reaction After Trolling: મનોરંજન જગતની જાણીતી અભિનેત્રી અને ‘બિગ બોસ 11’ની વિજેતા શિલ્પા શિંદે હાલમાં જ કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાના પોડકાસ્ટમાં આપેલા એક નિવેદનને કારણે ભારે વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. વર્ષ 2016માં સીરિયલ ‘ભાભીજી ઘર પર હૈ!’ના પ્રોડ્યુસર સંજય કોહલી પર પોતે લગાવેલા જાતીય સતામણીના આરોપો ખોટા હતા, તેવી ચોંકાવનારી કબૂલાત શિલ્પાએ આ પોડકાસ્ટમાં કરી હતી. આ ક્લિપ વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર તેની ધરપકડની માંગ ઉઠી રહી છે. આ વ્યાપક વિરોધ અને ટ્રોલિંગ વચ્ચે હવે શિલ્પા શિંદેએ પોતાનું મૌન તોડ્યું છે અને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો મેસેજ શેર કરીને આકરી પ્રતિક્રિયા આપી છે.
પૈસા કે પબ્લિસિટી માટે મેં આ નથી કર્યું: શિલ્પા શિંદે
સોશિયલ મીડિયા પર થઈ રહેલી આકરા પ્રહારોનો જવાબ આપતા શિલ્પા શિંદેએ સ્પષ્ટ કર્યું છે કે તેની આ કબૂલાત પાછળ કોઈ આર્થિક ફાયદો મેળવવાનો ઈરાદો નહોતો. પોતાના વીડિયોમાં શિલ્પાએ જણાવ્યું કે, “મેં આ બધું પૈસા માટે નથી કર્યું. મેં તો એ શો પહેલાંથી જ છોડી દીધો હતો અને મારી પર જે પણ આરોપો લગાવવામાં આવ્યા હતા તે મેં સ્વીકારી લીધા હતા.”
તેણે વધુમાં ઉમેર્યું કે, “મને ખબર જ હતી કે આવું કંઈક થશે, કારણ કે આ દુનિયા ક્યારેય કોઈ સારી વસ્તુની પ્રશંસા નથી કરતી. લોકો વિચારે છે કે મારે આ વાત 10 વર્ષ પહેલાં જ કહેવી જોઈતી હતી જ્યારે હું શો કરી રહી હતી, પરંતુ મેં અત્યારે બોલવાનું નક્કી કર્યું.”
બિગ બોસ પછી બનેલી એક ઘટનાનો કર્યો ઉલ્લેખ
પોતાના આ નિર્ણય પાછળનું કારણ જણાવતા શિલ્પાએ બિગ બોસ પછીનો એક કિસ્સો શેર કર્યો હતો. શિલ્પાએ કહ્યું કે, “બિગ બોસ પછી મને એક વ્યક્તિ મળ્યો હતો, જેણે મને જણાવ્યું કે તેના પિતા પર કોઈએ ખોટો આરોપ લગાવ્યો હતો જેના આઘાતમાં તેમણે આત્મહત્યા કરી લીધી. તેણે મને કહ્યું કે મારી સચ્ચાઈની સફર જોઈને તેને ફરીથી જીવવાની પ્રેરણા મળી.”
પોતાની સામે થઈ રહેલા વિરોધ પર સહેજ પણ ડર્યા વગર શિલ્પાએ કહ્યું કે, “લોકો મારી પર હસ્યા અને મને ગાળો આપી, પણ જ્યારે તમે જાણો છો કે તમે કંઈ ખોટું નથી કર્યું, ત્યારે તમને કોઈ વાતનો ડર નથી હોતો. એ સમયે પણ મને કોઈનો સપોર્ટ નહોતો મળ્યો, એટલે આજે પણ હું કોઈના સપોર્ટની આશા નથી રાખતી. હું આ બધું સહન કરવા તૈયાર છું અને લોકો શું વિચારે છે તેની મને કોઈ પરવા નથી.”
પેઇડ PR કેમ્પેઇન સામે આક્રોશ
વીડિયોના અંતમાં શિલ્પાએ ટ્રોલર્સને સણસણતો ટોણો મારતા કહ્યું કે, “આપણે હંમેશાં સત્ય માટે લડીએ છીએ અને આજે મેં એ જ કર્યું છે. લોકોને ભસવું હોય એટલું ભસવા દો, જો તમે તમારો સમય કોઈ સાચા જરૂરિયાતમંદની મદદ કરવામાં લગાવશો તો તમારું ભલું થશે.” આ સાથે જ તેણે પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, આખો પોડકાસ્ટ જોયા વિના માત્ર એક સિંગલ લાઇનના આધારે જજમેન્ટ પાસ કરવું, તે પેઇડ પીઆર કંપનીઓનું નબળું કામ છે.
“આ અત્યંત શરમજનક અને ઘૃણાસ્પદ છે” – હિના ખાન
શિલ્પા શિંદે સાથે ‘બિગ બોસ 11’માં રનર-અપ રહી ચૂકેલી ટીવી સુપરસ્ટાર હિના ખાને આ મામલે પોતાનો ઉગ્ર આક્રોશ ઠાલવ્યો છે. હિના ખાને શિલ્પાની કબૂલાત પર આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, “પર્સનલ એજન્ડા કે પૈસાની લડાઈ માટે કોઈ પુરુષના ચરિત્ર અને તેના કરિયર પર જાતીય સતામણી જેવા ખોટા આરોપો લગાવવા, તે અત્યંત શરમજનક અને ઘૃણાસ્પદ બાબત છે. કોઈ સેલિબ્રિટી આવું બેજવાબદાર વર્તન કેવી રીતે કરી શકે? આનાથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી સાચી પીડિત મહિલાઓની લડાઈ નબળી પડે છે.”
The joke is on us! pic.twitter.com/8oAVn9POWV
— Hina Khan (@eyehinakhan) June 3, 2026
“કાયદાનો આવો દુરુપયોગ ગુનો છે” – પૂજા બેદી
અભિનેત્રી અને સામાજિક મુદ્દાઓ પર હંમેશાં અવાજ ઉઠાવનારી પૂજા બેદીએ પણ શિલ્પા શિંદેને આડે હાથ લીધી છે. પર્સનલ લડાઈમાં કાયદાને હથિયાર બનાવવા સામે લાલઆંખ કરતાં પૂજા બેદીએ કહ્યું કે, “મહિલાઓની સુરક્ષા માટે બનેલા કાયદાઓનો આ રીતે પર્સનલ હિસાબ બરાબર કરવા માટે ઉપયોગ કરવો એ ગુનાહિત માનસિકતા છે. આવી હરકતોના કારણે જ જ્યારે કોઈ મહિલા ખરેખર શોષણનો ભોગ બને છે, ત્યારે સમાજ તેના પર શંકાની નજરે જુએ છે. આ બાબતને હળવાશથી ન લેવી જોઈએ અને આવા ફેક કેસ કરનારાઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાવા જોઈએ.”
કાયદાકીય કાર્યવાહી અને ધરપકડની માંગ કરતી કમેન્ટ
એક યુઝરે કમેન્ટ કરી હતી કે “આ ખૂબ જ ગંભીર બાબત છે. કોઈ પુરુષ પર જાતીય સતામણીનો ખોટો આરોપ લગાવવો એ તેનું આખું કરિયર અને પરિવાર બરબાદ કરી નાખે છે. આ ફેક કેસ કરવા બદલ શિલ્પા શિંદેની ધરપકડ થવી જોઈએ. કાયદો મહિલાઓ સુરક્ષિત અનુભવે તે માટે છે, તેનો દુરુપયોગ કરવા માટે નહીં.”


Leave a Comment