પાંચના અકાળે મોતના પગલે રણછોડગઢ ગામમાં શોક
બાઇક અકસ્માતના ઇજાગ્રસ્તને સારવાર માટે લઈ જતી વખતે નડેલા અકસ્માતમાં રણછોડગઢ ગામના ઉપસરપંચ સહિત બેને ગંભીર ઇજા
હળવદ: હળવદ તાલુકાના ચરાડવા પાસે ગત રાત્રિના ડમ્પર સાથે કાર ધડાકાભેર અથડાતા હળવદ તાલુકા પંચાયતના સભ્ય સહિત પાંચ લોકોના કરૂણ મોત થયા હતા. જ્યારે રણછોડગઢ ગામના ઉપસરપંચ સહિત બેને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયા છે. બાઇક અકસ્માતના ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબી લઈ જતી વખતે ગમખ્વાર અકસ્માત નડયો હતો. બનાવના પગલે રણછોડગઢ ગામમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદના રણછોડગઢ ગામે રહેતા દિલીપભાઇ ભગવાનભાઈ ડઢૈયા ના પુત્ર પરેશ દિલીપભાઈ ડઢૈયા (ઉ.વ.૨૪)ગત રાત્રિના બાઇક લઇને હળવદથી પરત ફરી રહ્યો હતો, ત્યારે માનસર નજીક બાઇક સ્લીપ થવાથી અકસ્માત થયો હતો. ઘટનાની જાણ થતા તેના પિતા દિલીપભાઈ તેમજ ગામના પાંચ આગેવાનો સહિત ૬ લોકો કાર લઇ સ્થળ પર પહોંચ્યા હતા.અને ઇજાગ્રસ્તને પરેશને કારમાં બેસાડી સારવાર માટે મોરબી લઇ જતા હતા. કારમાં કુલ ૭ લોકો હતા. મોરબી જતી વખતે ચરાડવા નજીક આવેલ સીએનજી પંપ પાસે ગત રાત્રિના અંદાજે સાડા નવ વાગ્યાની આસપાસ ડમ્પર સાથે કાર ધડાકાભેર અથડાઇ હતી.અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે તથા અન્ય બે લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. અકસ્માતમાં સુરેશભાઇ વિસાભાઈ સિહોરા (ઉ.વ. ૪૫), વિરમભાઇ ભીમાભાઈ ડઢૈયા (ઉ.વ. ૨૮) ,પરેશ દિલીપભાઈ ડઢૈયા (ઉ.વ. ૨૪), હળવદ તાલુકા પંચાયતના સદસ્ય પ્રેમજીભાઈ શંકરભાઈ દઢૈયા અને ભરતભાઈ પ્રભુભાઈ દઢૈયા(રહે.તમામ.રણછોડગઢ)ના મોત નીપજ્યા હતા.જ્યારે રણછોડગઢ ગ્રામ પંચાયતના ઉપસરપંચ પ્રકાશભાઇ અમીરભાઈ ડઢૈયા તથા દિલીપભાઇ ભગવાનભાઈ ડઢૈયાને ગંભીર ઈજા થતા સારવાર ખસેડાયા છે.અકસ્માતની જાણ થતાં પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. એક જ ગામના પાંચ લોકોના અકાળે અવસાનથી રણછોડગઢ ગામમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.
– ગામ હિબકે ચડયું, પાંચ મૃતકોના અંતિમ સંસ્કાર
અકસ્માતમાં જીવ ગુમાવનાર પાંચેય મૃતકોના રણછોડગઢ ગામે એકસાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. એકસાથે પાંચ અર્થીઓ નીકળતા સમગ્ર ગામ શોકમગ્ન બની ગયું હતું , અને હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. અંતિમ યાત્રામાં આગેવાનો, ગામલોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.


Leave a Comment