લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

શેરબજારનો નશો: શોર્ટકટથી પૈસા કમાવવાની લાલચમાં યુવાનો જોખમી રોકાણના રવાડે | Stock Market Addiction Among Youth: Shortcut Wealth Dreams Fuel Risky Investments

by

Thenewsdk

Updated: 08-06-2026, 10.12 AM

Follow us:

શેરબજારનો નશો: શોર્ટકટથી પૈસા કમાવવાની લાલચમાં યુવાનો જોખમી રોકાણના રવાડે | Stock Market Addiction Among Youth: Shortcut Wealth Dreams Fuel Risky Investments



photo 1780893726201

Stock Market Addiction Among Youth: દારૂ, ડ્રગ્સ બાદ આજકાલ મોટા પ્રમાણમાં યુવાનોને જાણે શેરબજારનો નશો ચડ્યો છે. શોર્ટ કટથી પૈસા કમાવવા અને રાતોરાત લખપતિ બનવાની લહાયમાં શેરબજારની એબીસીડી જાણ્યા વગર રોકાણ કરતા યુવાનોની સંખ્યા સતત વધી રહી છે. સેબીના સત્તાવાર આંકડા મુજબ, વર્ષ 2019માં નેશનલ સ્ટોક એક્સચેન્જમાં રોકાણ કરતા 30થી ઓછી ઉંમરના યુવાનોનું પ્રમાણ 23 ટકા જ હતું. જ્યારે વર્ષ 2024-25માં આ પ્રમાણ વધીને 40 ટકાએ પહોંચી ગયું છે. જેમાંથી ટૂંકા ગાળે 93 ટકા છૂટક રોકાણકારો પૈસા ગુમાવે છે. પરંતુ હારેલો જુગારી બમણું રમે તે કહેવત મુજબ યુવાનો આંખો મીંચીને વધુને વધુ પૈસા રોકી રહ્યા છે.

દર મહિને 5થી 50 હજાર સુધીનું રોકાણ કરવાનો યુવાનોમાં નવો ટ્રેન્ડ

શેરબજાર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યાનુસાર, હાલ 60 ટકાથી વધુ યુવાનો અને ખાસ કરીને જેન ઝી દર મહિને રૂપિયા પાંચથી 50 હજાર જેટલું રોકાણ કરે છે. જેમાંથી 80 ટકા યુવાનો એફ એન્ડ ઓ એટલે ફ્યુચર એન્ડ ઓપ્શન્સમાં ટ્રેડિંગ કરે છે. સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા મુજબ એફ એન્ડ ઓમાં 90થી 93 ટકા રોકાણકારો પૈસા ગુમાવે છે. છતાં પણ તેમાં રોકાણ કરતા યુવાનોની સંખ્યા વધી રહી છે. બીજી તરફ છેલ્લાં બે-ચાર વર્ષથી આઇપીઓ એટલે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ ભરવાનો લોકોમાં ક્રેઝ વધ્યો છે. 

કોઇ પણ નવી કંપનીના આઇપીઓ આવે એટલે લોકો સીધા તે ભરવા માંડે છે. જ્યારે નિષ્ણાંતોના મતે, આઇપીઓમાં છેલ્લાં એકાદ વર્ષનો રેકોર્ડ જોઇએ તો માત્ર 50 ટકા જેટલા આઇપીઓ પ્રીમિયમ પર ખુલતા રોકાણકારોને ફાયદો થયો હતો. પરંતુ તેમાં પણ નફાનું માર્જિન 10-20 ટકા જેટલું જ હોય છે. જ્યારે આશરે 50 ટકા આઇપીઓ ડિસ્કાઉન્ટ પર ખુલતા રોકાણકારોએ મોટી રકમ ગુમાવવાનો વારો આવ્યો હતો. કેટલીક કંપનીઓ તો આઇપીઓથી મોટું ભંડોળ મેળવી ટૂંક સમયમાં જ ઉઠી જતી હોય છે. આ સિવાય પૈસા ડબલ થવાની લાલચે ૨૦-૩૦ રૂપિયામાં વેચાતા પેની સ્ટોક્સ તરફ નાના રોકાણકારો આકર્ષાઈ રહ્યા છે. જે જોખમી હોવાથી મોટું નુકસાન વેઠવું પડે છે. હવે ધીમે ધીમે યુવાનો ક્રીપ્ટો કરન્સીના રવાડે ચડી રહ્યા છે. જોબ માર્કેટની અનિશ્ચિતતા અને બેરોજગારીના કારણે પણ યુવાનોને શેરબજારની લત લાગી રહી હોવાનો નિષ્ણાંતોનો દાવો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં પ્રજા રામભરોસે, નગરપાલિકાઓ લોનભરોસે… 152 પાલિકા દેવાના ડુંગરતળે દબાઈ

શેરબજારમાં મોટી ઉથલપાથલમાં નાના રોકાણકારો જ પૈસા ગુમાવે!

માર્ચમાં શેર બજારમાં બે વર્ષનો સૌથી મોટો કડાકો બોલ્યો હતો. મે મહિનામાં ચાર જ દિવસમાં રોકાણકારોના 16.77 લાખ કરોડ રૂપિયા સાફ થઈ ગયા હતા. જ્યારે પણ આવી રીતે શેરબજારમાં કોઇ મોટી ઉથલપાથલ થાય ત્યારે તેમાં પૈસા ગુમાવનાર મોટા ભાગે નાના અને બિનઅનુભવી રોકાણકારો જ હોય છે. કારણ કે મોટા રોકાણકારો અનુભવી હોવાથી અનિશ્ચિત પરિસ્થિતિમાં પણ સેફ રહીને નીકળી જાય છે.

50 ટકા યુવાનો લોન લઈ ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે

શેર બજારમાં રોકવા માટે યુવાનો પાસે પૂરતા પૈસા ન હોય ત્યારે બેન્ક તેમજ નોન ફાઇનેન્શિયલ બેંકિંગ કંપની પાસેથી ક્રેડિટ કાર્ડ, પર્સનલ લોન અને ઇન્સ્ટન્ટ લોન લઈને પણ યુવાનો શેરબજારમાં પૈસા નાંખી રહ્યા છે. લોનનું વ્યાજ નફામાંથી નીકળી જશે તેવા વિચાર સાથે તેઓ જોખમ લઈ લે છે. વિશ્લેષકો મુજબ, હાલ 50 ટકાથી વધુ યુવાનો ઉધારીના પૈસે રોકાણ કરે છે. બાદમાં શેરબજારમાં થયેલા નુકસાન ઉપરાંત 12થી 30 ટકાના તોતિંગ વ્યાજનું ભારણ માથે આવી જતાં ઇસકી ટોપી ઉસકે સર… મુજબ વર્તે છે. એક દેવું ઉતારવા બીજી જગ્યાએથી ઉધાર લે અને દેવાના આ ચક્રવ્યૂહમાં ફસાતા જાય છે. કેટલીક વખત તો લોન ચૂકતે કરવા ઘરેણાં, ઘર વેચવું પડે તેવી સ્થિતિ પણ આવી જાય છે.

મોટા શહેરોમાં ગૃહિણીઓને પણ શેર બજારમાં રસ જાગ્યો!

માત્ર યુવાનો જ નહીં, અમદાવાદ જેવા મોટા શહેરોમાં આજકાલ 35થી 55 વર્ષની વયની ગૃહિણીઓ પણ શેરબજારમાં રસ દાખવવા લાગી છે. રોકાણ કરવાના સરળ માધ્યમો આંગળીના ટેરવે ઉપલબ્ધ હોવાથી મહિલાઓ પોતે કરેલી બચતમાંથી શેરબજારમાં જોખમી રોકાણ કરવા લાગી છે. યુવતીઓ અને મહિલાઓનું પ્રમાણ શેર બજારમાં કોરોના બાદ 20થી વધીને 28-30 ટકા થઈ ગયું છે.

સોશિયલ મીડિયા પર ‘ફિનફ્લૂએન્સર્સ’નો રાફડો

સોશિયલ મીડિયા પર બે-ચાર વર્ષોથી ફિનફ્લૂએન્સર્સ એટલે ફાઇનેન્શલ ઇન્ફ્લૂએન્સર્સનો રાફડો ફાટી નીકળ્યો છે. આવા બની બેઠેલા નિષ્ણાંતોની રીલ જોઈને યુવા વર્ગ શેરબજાર તરફ ખેંચાઈ રહ્યો છે. 60 સેકન્ડની વીડિયોમાં મળેલી સલાહ કે ટિપ પ્રમાણે તેઓ હજારોનું રોકાણ કરી દેતા હોય છે. જાણકારોના મત મુજબ, કોઈ પણ કંપનીમાં રોકાણ કરતા પહેલાં 60થી 70 ટકા યુવાનો તેની પાછલા વર્ષોની નાણાંકીય સ્થિતિ, બેલેન્સ શીટ વગેરે જોવાની તસ્દી લેતા નથી. કેટલીક વખત તો કંપની કઈ વસ્તુ કે સર્વિસ વેચે છે, તેનો અંદાજ પણ તેમને હોતો નથી. બીજી બાજુ 80 ટકાથી વધુ યુવાનો ઓનલાઇન એપ્લિકેશનથી રોકાણ કરતા હોય યુવાનોને શેરબજાર તરફ દોરવામાં આવી એપ્લિકેશનનો પણ મોટો ફાળો માનવામાં આવે છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤