Markandey Katju Ishq Karo Party: સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ માર્કંડેય કાત્જુએ એક અનોખો રાજકીય પ્રયોગ કરતા ‘ઇશ્ક કરો પાર્ટી’ (IKP) નામે એક નવો રાજકીય પક્ષ શરૂ કરવાની જાહેરાત કરી છે. જસ્ટિસ કાત્જુએ જણાવ્યું છે કે આ પક્ષના માધ્યમથી દેશમાં પ્રવર્તતી ગરીબી, ભૂખમરો, બેરોજગારી, શિક્ષણ અને આરોગ્યની નબળી સ્થિતિ જેવા ગંભીર અને પાયાના મુદ્દાઓ ઉઠાવવામાં આવશે. આ નવી પાર્ટીની જાહેરાત સાથે જ તેમણે હોદ્દેદારોની નિમણૂક પણ કરી દીધી છે અને પોતે આ પક્ષના સંરક્ષક તરીકે રહેશે.
સીજેપી (CJP) આંદોલન પર નિશાન અને નવી શરૂઆત
જસ્ટિસ કાત્જુએ દેશમાં ચાલી રહેલા ‘સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ’ (CJP)ના આંદોલન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે રવિવારે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘સીજેપીના ફોલોઅર્સે ત્યાં પોતાનો સમય બગાડવો જોઈએ નહીં અને નવી બનેલી ‘ઇશ્ક કરો પાર્ટી’માં જોડાઈ જવું જોઈએ. ટૂંક સમયમાં જ આ પક્ષની સત્તાવાર વેબસાઇટ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ શરૂ કરવામાં આવશે. પાર્ટીમાં જોડાવા અને સભ્યપદ મેળવવા માટે એક સત્તાવાર મેઇલ આઇડી પણ જાહેર કર્યું છે.’
શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગને ગણાવી મૂર્ખામી
પેપર લીક અને પરીક્ષાઓની ગેરરીતિને લઈને સીજેપીના નેતા અભિજીત દીપકે દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે, જેના પર જસ્ટિસ કાત્જુએ આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, ‘અભિજીત દીપકેની આ મુખ્ય માંગ તદ્દન મૂર્ખામીભરી છે. જો શિક્ષણ મંત્રી રાજીનામું આપી પણ દેશે, તો તેમની જગ્યાએ કોઈ બીજો મંત્રી આવી જશે, તેનાથી આખી વ્યવસ્થામાં શું ફરક પડી જવાનો છે?’
44 વર્ષની ઉંમર બાદ પક્ષમાં એન્ટ્રી અને હોદ્દાની ઓફર
પક્ષના માળખા અંગે સ્પષ્ટતા કરતા જસ્ટિસ કાત્જુએ જણાવ્યું કે, 44 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા લોકો ‘ઇશ્ક કરો પાર્ટી’માં જોડાઈ શકે છે. તેમણે લોકોને અપીલ કરી છે કે આ માટે પક્ષના અધ્યક્ષ ઈરફાન અલીનો સંપર્ક કરવામાં આવે. જો લોકો પક્ષની વિચારધારા સાથે સહમત થશે, તો તેમને પક્ષના ઉપાધ્યક્ષોમાંથી એક બનાવવામાં આવશે. આ પક્ષનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકીય આક્ષેપબાજીથી દૂર રહીને દેશની મૂળભૂત સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
આ પણ વાંચો: ‘મમતા બેનરજી અને કેજરીવાલે I.N.D.I.A ગઠબંધનનો સત્યાનાશ કર્યો…’, દિગ્ગજ નેતાનો દાવો
પેપર લીક મુદ્દે દિલ્હીના જંતર-મંતર પર સીજેપીનો વિરોધ
બીજી તરફ, સીજેપીના નેતા અભિજીત દીપકેએ શનિવારે દિલ્હીના જંતર-મંતર ખાતે NEET પેપર લીક અને CBSEની ઓન-સ્ક્રીન માર્કિંગ વ્યવસ્થાની ખામીઓ વિરુદ્ધ એક મોટું પ્રદર્શન કર્યું હતું. તેમણે રવિવારે છત્રપતિ સંભાજીનગરમાં પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ રોકવાની જવાબદારી પીએમ મોદીની છે. તેમણે કટાક્ષ કર્યો કે જો પીએમ મોદી રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ રોકાવી શકતા હોય, તો દેશમાં પ્રશ્નપત્રો લીક થતા કેમ રોકી શકતા નથી? દીપકેએ ચીમકી આપી છે કે જ્યાં સુધી શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે.


Leave a Comment