Ranchi Tupudana crime News: બિહાર અને ઝારખંડના સરહદી વિસ્તારોમાં ગુનાખોરીની ઘટનાઓ સતત વધી રહી છે. ઝારખંડની રાજધાની રાંચીના તુપુદાના આઉટપોસ્ટ (OP) વિસ્તારમાં રવિવારે સવારે એક મહિલાનો કચડાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. સિરી ગામ નજીક જંગલ પાસે આવેલા રોડ પરથી આ લાશ મળી આવી હતી. સ્થાનિક ગ્રામજનોએ જ્યારે રસ્તાની વચ્ચે એક મહિલાનો ક્ષત-વિક્ષત મૃતદેહ જોયો, ત્યારે તેમણે તાત્કાલિક આ અંગે તુપુદાના પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં હટિયાના ડીએસપી સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
બળાત્કાર બાદ હત્યા અને પુરાવા નાશ કરવા વાહન ફેરવી દીધું
પ્રાપ્ત વિગતો અનુસાર, ઘટનાસ્થળની આસપાસની ઝાડીઓમાંથી પોલીસને અત્યંત ચોંકાવનારા પુરાવા મળ્યા છે. ઝાડીઓમાંથી વાંધાજનક સામગ્રી અને મહિલાના વસ્ત્રો મળી આવ્યા છે, જે સ્પષ્ટપણે દુષ્કર્મ થયું હોવાની આશંકા દર્શાવે છે. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, નરાધમોએ મહિલા પર દરિંદગી ગુજાર્યા બાદ નજીકના ખડક પર તેનું માથું પછાડીને હત્યા કરી દીધી હતી. એટલું જ નહીં, ગુનાની ઓળખ છુપાવવા અને અકસ્માતનું રૂપ આપવા માટે હત્યારાઓએ મહિલાના ચહેરા અને કમરના ભાગ પર ભારે વાહન ચલાવી દીધું હતું, જેના કારણે મૃતદેહ બહુ ખરાબ રીતે કચડાઈ ગયો હતો.
આ પણ વાંચો :શિક્ષણનું દબાણ : ગુજરાતમાંથી છેલ્લા 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી
મોબાઇલ લોકેશનથી થઈ ઓળખ, 3 શંકાસ્પદો હિરાસતમાં
પોલીસે આ જટિલ કેસના ઉકેલ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL), ડોગ સ્ક્વોડ અને ટેકનિકલ સેલની મદદ લીધી છે. ઘટનાસ્થળેથી મળી આવેલા મોબાઇલ ફોન અને ટેકનિકલ લોકેશનના આધારે મૃતક મહિલાની ઓળખ ‘રેખા’ તરીકે થઈ છે. પોલીસે આ મામલામાં ત્વરિત કાર્યવાહી કરીને અત્યાર સુધીમાં 3 શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લીધા છે અને તેમની સઘન પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, ટૂંક સમયમાં જ આ હિચકારા ગુનાના તમામ અસલી ચહેરાઓ સામે લાવીને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.


Leave a Comment