ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોના સ્ટોર અને ફાર્મા કંપનીઓ વચ્ચેની ગઠજોડથી દર્દીઓને દવાઓના નામે બેફામ લૂંટવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ મળતી દવાઓ પર એટલી ઊંચી MRP છાપવામાં આવે છે, કે બહારના કેમિસ્ટ પાસેથી એ જ દવા હજારો રૂપિયા ઓછી કિંમતે મળી જાય છે. અમદાવાદમાં એક સગર્ભા મહિલાના કેસમાં હોસ્પિટલમાં લખાયેલી દવા માટે રૂ. 15,000નો ખર્ચ બતાવવામાં આવ્યો હતો, જ્યારે બહારથી તે જ દવા ખરીદતાં રૂ. 5,500થી 6,000 જેટલો ફરક આવ્યો હતો. દવાઓ ઉપરાંત રૂમ ચાર્જમાં પણ ભારે વસૂલાત થતી હોવાના આરોપો ઉઠ્યા છે.
દવાઓમાં મોનોપોલી, દર્દીઓ પાસે વિકલ્પ જ નહીં
આક્ષેપો મુજબ, કેટલીક હોસ્પિટલોમાં એવી દવાઓ લખવામાં આવે છે, જે આસપાસના 2-3 કિલોમીટરના વિસ્તારમાં આવેલી સામાન્ય મેડિકલ સ્ટોરમાં મળતી જ નથી. એટલે દર્દીના પરિવારજનોને મજબૂરીમાં હોસ્પિટલના જ સ્ટોરમાંથી દવા ખરીદવી પડે છે. આ રીતે ચોક્કસ સ્પેશિયાલિટી દવાઓમાં હોસ્પિટલ અને કંપનીઓ વચ્ચે મોનોપોલી ઊભી કરવામાં આવે છે. હોસ્પિટલ સ્ટોરમાં જ ઉપલબ્ધ દવાઓ પર 5-10 ટકાનું ડિસ્કાઉન્ટ બતાવી રાહત આપવાનો ડોળ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં દવા પર છાપેલો ભાવ ખરીદ કિંમત કરતાં અનેકગણો વધારે હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
MRP, બિલિંગ અને GSTમાં ગડબડના ગંભીર આરોપ
હોસ્પિટલોના સ્ટોરમાં વેચાતી દવાઓમાં 500થી 1000 ટકા સુધીનું માર્જિન રાખવામાં આવતું હોવાના આરોપ છે. ઘણી વખત દર્દીના બિલમાં દવાઓ અલગથી દર્શાવાતી પણ નથી, પરંતુ સારવારના કુલ ખર્ચમાં જ તેને સમાવી દેવામાં આવે છે. આ ઉપરાંત ‘Not For Sale’ લખેલા સેમ્પલ દવાઓના ઉપયોગ, GST ચોરી અને આવકવેરામાં ગેરરીતિ થતી હોવાની પણ ચર્ચા છે. દવાઓના વેચાણમાંથી થતી આવક અને ટેક્સનો હિસાબ પારદર્શક રીતે બતાવવામાં આવે છે, કે નહીં તે પણ મોટો સવાલ બની રહ્યો છે.




Leave a Comment