પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ અને અછતની અસર હવે વાહન બજારમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. જૂન મહિનામાં ભારતમાં ઇલેક્ટ્રિક, હાઇબ્રિડ અને સીએનજી પેસેન્જર વાહનોની માંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (FADA)ના આંકડા મુજબ, જૂનમાં વેચાયેલા પેસેન્જર વાહનોમાં પેટ્રોલ-ડીઝલ સિવાયના વાહનોનો હિસ્સો વધીને 40.35 ટકા સુધી પહોંચ્યો છે, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો સ્તર માનવામાં આવી રહ્યો છે.
પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવથી ગ્રાહકોનો ઝુકાવ બદલાયો
પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ બાદ ક્રૂડ સપ્લાય પર અસર અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે ગ્રાહકો હવે ઓછા ખર્ચાળ વિકલ્પો તરફ વળી રહ્યા છે. મે મહિનામાં પેસેન્જર વાહનોમાં ઇલેક્ટ્રિક, હાઇબ્રિડ અને સીએનજી વાહનોનો હિસ્સો 38 ટકા હતો, જે જૂનમાં વધીને 40.35 ટકા થયો છે. FADAના પ્રમુખ સી. એસ. વિઘ્નેશ્વરે અનુસાર, ગ્રાહકોનો આ બદલાતો ટ્રેન્ડ કામચલાઉ છે, કે લાંબા ગાળાનો, તે આગામી મહિનાઓમાં સ્પષ્ટ થશે.
CNG, Hybrid અને EVનો વધતો શેર
જૂનમાં પેસેન્જર વાહનોના કુલ વેચાણમાં CNG વાહનોનો હિસ્સો 24.30 ટકા રહ્યો હતો, જ્યારે હાઇબ્રિડ વાહનોનો હિસ્સો 8.30 ટકા અને ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 7.80 ટકા રહ્યો હતો. ટુ-વ્હીલર સેગમેન્ટમાં પણ ઇલેક્ટ્રિક વાહનોનો પ્રભાવ વધ્યો છે અને ઈ-ટુ-વ્હીલર્સનો હિસ્સો પહેલીવાર 10.60 ટકા સુધી પહોંચી ગયો છે. FADAના ડેટા મુજબ, જૂન મહિનામાં ઈ-પેસેન્જર વાહનોનું વેચાણ 31,823 યુનિટ સુધી પહોંચ્યું હતું.




Leave a Comment