મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા અવિરત અને ભારે વરસાદે મુંબઈને જાણે ‘વર્ચ્યુઅલ ટાપુ’માં ફેરવી દીધું છે. મુંબઈને અન્ય રાજ્યો સાથે જોડતી સડક અને રેલવે વ્યવસ્થા ભારે ખોરવાઈ ગઈ છે,
જેના કારણે હજારો મુસાફરો રસ્તા અને ટ્રેનોમાં અધવચ્ચે અટવાઈ ગયા છે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે પણ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેથી સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં ચિંતાનો માહોલ છવાયો છે.
હાઈવે અને મિસિંગ લિંક પર વરસાદનો કહેર
ભારે વરસાદના કારણે મુંબઈ-પુણે એક્સપ્રેસવે, મુંબઈ-અમદાવાદ હાઈવે અને મુંબઈ-કોંકણ રૂટ પર વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર થોડા સમય પહેલાં જ શરૂ કરાયેલી 13 કિલોમીટર લાંબી ‘મિસિંગ લિંક’ બાયપાસ પર ટનલ-2ના એક્ઝિટ નજીક ભારે ભૂસ્ખલન થતાં એક્સપ્રેસવે પર ગભરાટ ફેલાયો હતો.
મુંબઈ-અમદાવાદ હાઈવે પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ટ્રાફિક ધીમો પડી ગયો છે, જ્યારે નાગોઠણે નજીક પાણી ભરાઈ જવાને કારણે કોંકણ રૂટ પર વાહનચાલકો લાંબા સમયથી ફસાયેલા રહ્યા છે.
રેલવે વ્યવસ્થા ખોરવાઈ, ગુજરાત તરફની ટ્રેનો અટવાઈ
ભૂસ્ખલન અને પાટા પર પાણી ભરાવાના કારણે પશ્ચિમ રેલવે અને સેન્ટ્રલ રેલવેની સેવાઓ પર ભારે અસર પડી છે. પુણે-મુંબઈ વચ્ચે ઠાકુરવાડી અને મંકી હિલ સેક્શનમાં ભૂસ્ખલન થતાં ટ્રેન સેવાઓ સ્થગિત કરવી પડી હતી. ગુજરાત તરફથી મુંબઈ જતી અનેક ટ્રેનો અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી હતી,
જેના કારણે મુસાફરો કલાકો સુધી કોચમાં ફસાયેલા રહ્યા. પશ્ચિમ રેલવેની અનેક લાંબા અંતરની ટ્રેનો દક્ષિણ ગુજરાત અને મુંબઈ વચ્ચે અટવાઈ ગઈ છે, જ્યારે કેટલીક ટ્રેનો રદ અથવા સમય બદલાવીને દોડાવવી પડી છે.




Leave a Comment