દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં બુધવાર, 7 ઓક્ટોબર 2026ના રોજ એક રહેણાક ઈમારત ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ચાર મહિનાની સગર્ભા મહિલા સહિત ત્રણ લોકોનાં મોત થયાં છે. કાટમાળ નીચે ફસાયેલા 11 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાંથી આઠ ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ચાર માળની ઈમારત ધરાશાયી, બચાવ કામગીરી હાથ ધરાઈ
ઘટનાની જાણ થતાં જ દિલ્હી ફાયર સર્વિસની ચાર ગાડીઓ સહિત પોલીસ અને અન્ય બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોએ પણ બચાવ કામગીરીમાં મદદ કરી હતી. અહેવાલો અનુસાર, કાટમાળમાંથી 11 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાંથી આઠ ઈજાગ્રસ્તોને રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.
સગર્ભા મહિલા અને બે બાળકોનાં મોત
આ દુર્ઘટનામાં 21 વર્ષીય ગુલફસા નામની મહિલા અને બે બાળકોનાં મોત થયાં છે. ગુલફસા ચાર મહિનાની ગર્ભવતી હતી. મૃતકોમાં આશરે 12 વર્ષની બાળકી અને દોઢ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. ઈમારત ધરાશાયી થવાને કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સીમાપુરી વિસ્તારમાં ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. પોલીસે લોકોને અસરગ્રસ્ત રસ્તા પરથી પસાર થવાનું ટાળવા અને ઈમરજન્સી વાહનોને રસ્તો આપવા અપીલ કરી હતી.



