રાજ્યમાં 30 જૂનથી 15 સપ્ટેમ્બર દરમિયાન થયેલી વિવિધ આફતોમાં કુલ 296 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમાંથી 119 લોકોનાં મોત સીધી કુદરતી આપત્તિઓ અને ક્લાઈમેટ ચેન્જ સાથે જોડાયેલી ઘટનાઓમાં થયા છે, જ્યારે 177 લોકોનાં મોત માર્ગ અકસ્માતોમાં થયા છે.
ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે મિલકતોને પણ મોટું નુકસાન થયું છે. રાજ્યમાં 131 મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થયા છે, જ્યારે 502 મકાનોને આંશિક નુકસાન થયું છે. આ ઉપરાંત લોક નિર્માણ વિભાગને રૂ.2744.67 કરોડ અને જલ શક્તિ વિભાગને રૂ.38.57 કરોડનું નુકસાન થયું છે.
હજુ પણ 59 રસ્તાઓ અને 11 પેયજલ યોજનાઓ બંધ
ચોમાસાની તારાજી બાદ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થઈ નથી. હાલ હિમાચલ પ્રદેશમાં 59 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. તેમાં મંડી જિલ્લામાં સૌથી વધુ 27 રસ્તાઓ અને કુલ્લુમાં 12 રસ્તાઓ બંધ છે. આ ઉપરાંત 11 પેયજલ યોજનાઓ અને બે વીજળીના ટ્રાન્સફોર્મર પણ હજુ અસરગ્રસ્ત છે. આ તમામ સેવાઓને ઝડપથી પૂર્વવત કરવા માટે સંબંધિત વિભાગો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.
આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા નહીં
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી. 16 અને 17 સપ્ટેમ્બરે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યારબાદ 18થી 21 સપ્ટેમ્બર દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં હવામાન સાફ રહેવાની શક્યતા છે, જ્યારે કેટલાક સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે.



