છેલ્લા અઠવાડિયામાં પડેલા ભારે વરસાદથી રાજ્યભરમાં જનજીવન ખોરવાઈ ગયું છે. હાલ 5 સ્ટેટ હાઈવે સહિત કુલ 425 રસ્તાઓ બંધ છે, જ્યારે 500થી વધુ રસ્તાઓ ધોવાઈ જવાના અહેવાલો આવ્યા છે. ST બસ સેવાના 73 રૂટની 266 ટ્રિપ પર અસર પડી છે,
જ્યારે રેલવે સેવાઓ પણ ખોરવાઈ છે. અનેક ગામો અને શહેરો બેટમાં ફેરવાતા તંત્રએ 7,522 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે અને 3,711 લોકોનું રેસ્ક્યુ કર્યું છે.
206 ડેમોમાં પાણીની મિશ્ર સ્થિતિ
રાજ્યના કુલ 206 ડેમોમાંથી 5 ડેમ સંપૂર્ણ ઓવરફ્લો થયા છે. પાણીની આવક વધતા 11 ડેમોને હાઈ એલર્ટ, 4 ડેમોને એલર્ટ અને 7 ડેમોને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. હાલ 17 ડેમોમાં 70થી 100 ટકા પાણી છે,
21 ડેમોમાં 50થી 70 ટકા અને 54 ડેમોમાં 25થી 50 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જોકે ચિંતાજનક બાબત એ છે, કે 109 ડેમોમાં હજુ પણ 25 ટકા કરતાં ઓછું પાણી જ છે.
સરદાર સરોવર 64 ટકા ભરાયો, રાજ્યમાં સરેરાશ 24% વરસાદ
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 2,17,088 MCFT પાણી સાથે 64 ટકા સંગ્રહ થયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ 2,23,233 MCFT પાણી છે, જે તેમની કુલ ક્ષમતાના માત્ર 40.01 ટકા જેટલું છે.
રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 24 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દાદરા-નગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે, પરંતુ ત્યારબાદના એક સપ્તાહ સુધી કોઈ મોટું એલર્ટ નથી.




Leave a Comment