વોટ્સએપ યુઝર્સ માટે એક નવું અને ઉપયોગી ફીચર લાવવાની તૈયારીમાં છે. હવે વોટ્સએપ પોતે જ યુઝર્સને તેમના કોન્ટેક્ટ્સના આવનારા જન્મદિવસ અંગે યાદ અપાવશે. આ ફીચરની માહિતી ટેક ટ્રેકિંગ વેબસાઇટ WABetaInfoના રિપોર્ટમાં સામે આવી છે.
WhatsAppમાં આવશે ‘Birthday Section’
રિપોર્ટ મુજબ, વોટ્સએપ એક નવા ‘Birthday Section’ પર કામ કરી રહ્યું છે. આ વિભાગમાં યુઝર્સ પોતાના કોન્ટેક્ટ્સના આગામી જન્મદિવસ જોઈ શકશે. કોઈ કોન્ટેક્ટનો બર્થડે નજીક આવશે ત્યારે એપ નોટિફિકેશન દ્વારા તેની જાણ કરશે. આ ફીચરના કારણે યુઝર્સને અલગથી કેલેન્ડર એપમાં બર્થડે સેવ કરવાની જરૂર નહીં પડે અને તેઓ સીધા વોટ્સએપ પરથી મિત્રોને શુભેચ્છા પાઠવી શકશે.
જન્મ તારીખની માહિતીનો થશે ઉપયોગ
વોટ્સએપે અગાઉ એન્ડ્રોઇડ બીટા વર્ઝનમાં કેટલાક યુઝર્સ પાસેથી જન્મ તારીખ અને જન્મ વર્ષની માહિતી લેવાની શરૂઆત કરી હતી. કંપનીએ સ્પષ્ટ કર્યું હતું કે આ માહિતી અન્ય યુઝર્સને દેખાશે નહીં અને તેનો ઉપયોગ માત્ર નિયમનકારી જરૂરિયાતો માટે કરવામાં આવશે. હવે આ જ માહિતીના આધારે કંપની બર્થડે રિમાઇન્ડર ફીચર તૈયાર કરી રહી છે.
કેવી રીતે કામ કરશે બર્થડે રિમાઇન્ડર?
આ ફીચર ત્યારે જ કામ કરશે જ્યારે કોઈ યુઝર પોતાની જન્મ તારીખ વોટ્સએપ સાથે શેર કરશે. જો કોઈ વ્યક્તિએ જન્મ તારીખ દાખલ નહીં કરી હોય તો તેના બર્થડેનું રિમાઇન્ડર નહીં મળે. હાલમાં આ ફીચર ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું નથી.
પ્રાઇવસીનું પણ રાખવામાં આવશે ધ્યાન
વોટ્સએપ ભવિષ્યમાં આ ફીચરમાં પ્રાઇવસી વિકલ્પ પણ આપી શકે છે. યુઝર્સ પોતાની પસંદગી મુજબ નક્કી કરી શકશે કે તેમનો જન્મદિવસ કોને દેખાય અને કોને નહીં. આ નવું ફીચર લોન્ચ થયા બાદ વોટ્સએપ પર મિત્રો અને પરિવારજનોના ખાસ દિવસો યાદ રાખવાનું વધુ સરળ બની જશે.




Leave a Comment