બોટાદ શહેરના ખસ રોડ વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ ચેટના વિવાદે લોહિયાળ વળાંક લીધો છે. સમાધાન માટે ભેગા થયેલા યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવતા એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ બનાવને પગલે શહેરમાં ચકચાર મચી ગઈ છે અને હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા છે.
સમાધાન બેઠક દરમિયાન અચાનક હુમલો
પ્રાથમિક માહિતી મુજબ, હરપાલ રવુભાઈ ખાચર પર જીવલેણ હુમલો થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અક્ષય રાજુભાઈ ખાચરને ગંભીર ઈજા પહોંચતાં વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો. ઉપરાં, સતુ વલકુભાઈ બોરીચાને ઈજા થતાં બોટાદની સબિહા હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, બંને ઈજાગ્રસ્ત હાલ ખતરા બહાર છે.
ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ રિક્વેસ્ટથી શરૂ થયો વિવાદ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે, કે આ સમગ્ર ઘટનાની પાછળ ઇન્સ્ટાગ્રામ પર થયેલો વિવાદ કારણભૂત છે. મળતી માહિતી મુજબ, હુમલાખોરોમાંથી એક વ્યક્તિની બહેનના મોબાઇલ પર ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાના મુદ્દે અગાઉ માથાકૂટ થઈ હતી. આ જ વિવાદનો ઉકેલ લાવવા માટે મૃતક અને ઈજાગ્રસ્ત યુવકો સામા પક્ષ સાથે ખસ રોડ પર સમાધાન માટે ભેગા થયા હતા.
બોલાચાલી બાદ તીક્ષ્ણ હથિયારથી હુમલો
સમાધાન દરમિયાન બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો થોડી જ વારમાં હિંસક બની ગયો હતો. આરોપીઓએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં હરપાલ ખાચરનું મોત થયું હતું, જ્યારે અન્ય બે યુવકો લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.
SP સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો
ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.




Leave a Comment