ભારતમાં આગામી સમયમાં ચલણી નોટોમાં મોટો બદલાવ જોવા મળી શકે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) હવે પરંપરાગત કાગળની નોટોની જગ્યાએ પ્લાસ્ટિક (પોલિમર) કરન્સી લાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. 10, 20, 50, 100 અને 500 રૂપિયાની પ્લાસ્ટિકની નોટો માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જો તમામ પ્રક્રિયા સમયસર પૂર્ણ થશે તો ટૂંક સમયમાં જ લોકોના હાથમાં નવી પોલિમર નોટો જોવા મળી શકે છે.
પ્લાસ્ટિક નોટો માટે RBIએ શરૂ કરી મહત્વની પ્રક્રિયા
મળતી માહિતી અનુસાર, RBIની નોટ છાપતી કંપની ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ (BRBNMPL)એ પ્લાસ્ટિકની નોટોના ઉત્પાદન માટે જરૂરી ખાસ પોલિમર શીટ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ માટે વિશ્વભરની સપ્લાયર કંપનીઓ પાસેથી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) મંગાવવામાં આવ્યા છે. આ પગલાને પ્લાસ્ટિક કરન્સી અમલમાં લાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
શું છે BRBNMPL?
BRBNMPL એ ભારતીય રિઝર્વ બેંકની સંપૂર્ણ માલિકીની કંપની છે, જે દેશમાં ચલણી નોટોના છાપકામ અને ઉત્પાદનની જવાબદારી સંભાળે છે. નોટોના ઉત્પાદનથી લઈને ટેક્નિકલ પ્રક્રિયા સુધીનું તમામ કામ આ કંપની દ્વારા કરવામાં આવે છે. હવે પોલિમર શીટ ખરીદવાની પ્રક્રિયા શરૂ થતાં પ્લાસ્ટિક કરન્સીનો માર્ગ વધુ સ્પષ્ટ બન્યો છે.
પ્લાસ્ટિકની નોટોના મળશે અનેક ફાયદા
પ્લાસ્ટિક અથવા પોલિમર નોટો સામાન્ય કાગળની નોટોની સરખામણીએ અનેક રીતે વધુ અસરકારક માનવામાં આવે છે.
- વધુ ટકાઉ: પોલિમર નોટો લાંબા સમય સુધી ખરાબ થયા વગર ઉપયોગમાં રહી શકે છે.
- સરળતાથી ફાટતી નથી: સામાન્ય કાગળની નોટોની જેમ ઝડપથી ફાટવાની શક્યતા ઓછી રહે છે.
- વોટરપ્રૂફ: પાણી કે ભેજના સંપર્કમાં આવવા છતાં નોટને નુકસાન થતું નથી.
- નકલી નોટો પર નિયંત્રણ: પોલિમર નોટોમાં આધુનિક સુરક્ષા ફીચર્સ ઉમેરવામાં સરળતા હોવાથી તેની નકલ કરવી ખૂબ મુશ્કેલ બને છે.
ક્યારથી શરૂ થઈ શકે છે નવી કરન્સી?
હાલ RBI અથવા કેન્દ્ર સરકાર તરફથી પ્લાસ્ટિકની નોટો ક્યારે બજારમાં આવશે તેની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. જો, કે પોલિમર શીટ ખરીદવાની પ્રક્રિયા શરૂ થતાં આ પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તબક્કાવાર રીતે 10, 20, 50, 100 અને 500 રૂપિયાની પ્લાસ્ટિકની નોટો ચલણમાં મૂકવામાં આવી શકે છે.




Leave a Comment