લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના સમર્થનમાં અને NEET પેપર લીક મુદ્દે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. લો ગાર્ડન નજીક હેપ્પી સ્ટ્રીટ પાસે એકત્ર થયેલા દેખાવકારોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા પોલીસે અનેક લોકોની અટકાયત કરી હતી.
શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ
દેખાવકારોએ હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ઉઠાવી હતી. ‘ભાજપ હાય હાય’ અને ‘ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે’ જેવા સૂત્રો સાથે વિરોધ નોંધાવ્યો હતો.
પોલીસે સંભાળી સ્થિતિ
વિરોધને ધ્યાનમાં રાખી ACP, DCP સહિતનો પોલીસ કાફલો સ્થળ પર તહેનાત કરાયો હતો. પોલીસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કાર્યવાહી કરીને મહિલા સહિત અનેક દેખાવકારોની અટકાયત કરી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
સાંજે M.J. લાયબ્રેરી બહાર પણ કાર્યક્રમ
દેખાવકારોએ આજે સાંજે 6 વાગ્યે M.J. લાયબ્રેરી બહાર પણ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે. આ માટે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં મંજૂરી માગવામાં આવી છે, જોકે પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય જાહેર થયો નથી.




Leave a Comment