ઈંગ્લેન્ડ સામે રવિવારે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાયેલી વન-ડે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ પહેલાં ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી રોહિત શર્માના ભવિષ્યને લઈને જાતજાતની અટકળો ચાલી રહી હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આ મેચ રોહિતના કરિયરની છેલ્લી વન-ડે હોઈ શકે છે. જોકે, રોહિત શર્માએ મેદાન પર ઉતરીને 138 રનની ધમાકેદાર ઇનિંગ રમી પોતાના બેટથી તમામ અફવાઓનો સણસણતો જવાબ આપ્યો હતો.
શું રોહિત શર્માએ ટીમને પોતાના ભવિષ્ય વિશે કંઈ કહ્યું છે?
મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં સુકાની શુભમન ગિલે રોહિતના સંન્યાસ (રિટાયરમેન્ટ) અંગે ફેલાયેલી અફવાઓ પર સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધી હતી. જ્યારે શુભમન ગિલને પૂછવામાં આવ્યું કે, શું રોહિત શર્માએ ટીમને પોતાના ભવિષ્ય વિશે કંઈ કહ્યું છે? તો તેણે કોઈ પણ ખચકાટ વિના આ સમાચારને ફગાવી દીધા હતા.શુભમન ગિલે જણાવ્યું હતું કે, “રોહિત ભાઈએ અમને એવું કંઈ કહ્યું નથી. અમને આ અંગે વાત કરવાનો મોકો પણ નથી મળ્યો. મને લાગે છે કે, આ બધી વાતો માત્ર મીડિયામાં જ ચાલી રહી છે, ડ્રેસિંગ રૂમમાં કે ટીમની અંદર આવી કોઈ ચર્ચા થઈ નથી.”
ગિલે કર્યા રોહિત શર્માના ભરપૂર વખાણ
રિટાયરમેન્ટની અફવાઓ વચ્ચે રોહિત શર્માએ જે અંદાજમાં બેટિંગ કરી, તેણે ફરી એકવાર સાબિત કરી દીધું કે મોટી મેચોમાં તેમનો અનુભવ ટીમ માટે કેટલો મહત્વનો છે. 388 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતી વખતે રોહિતે માત્ર 110 બોલમાં 138 રન બનાવીને ઈંગ્લેન્ડના બોલરો પર દબાણ બનાવી રાખ્યું હતું. તેની બેટિંગના વખાણ કરતા શુભમન ગિલે કહ્યું, “હું મોટા ભાગના સમયે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર હતો અને તેમને નજીકથી જોઈ રહ્યો હતો. તે આખી ઈનિંગ દરમિયાન ખૂબ જ શાંત હતા.
પાવરપ્લેમાં અમે વાત કરી રહ્યા હતા કે, નવા બોલ પર કેટલો એટેક કરવો જોઈએ, કારણ કે શરૂઆતમાં મોટા શોટ્સ રમવા સરળ ન હતા પરંતુ, રોહિત ભાઈએ પહેલા પરિસ્થિતિને સમજી અને પછી શાનદાર રીતે રન રેટ વધાર્યો. ખૂબ જ ઓછા સમયમાં તેમણે 60-70 રન ઉમેરી દીધા હતા. તેમની આ ઈનિંગ ખરેખર અદ્ભુત હતી.”
BCCIએ પણ અફવાઓ ફગાવી
BCCIના સચિવ દેવજીત સૈકિયાએ પણ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે, આ દાવાઓમાં કોઈ સત્ય નથી. તેમણે કહ્યું હતું કે, “રોહિત ભારતીય વન-ડે ટીમનો નિયમિત સભ્ય છે અને જ્યાં સુધી તે પસંદગીકારોની યોજનાઓનો હિસ્સો રહેશે ત્યાં સુધી દેશ માટે રમતો રહેશે. લોર્ડ્સ વન-ડે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ન હતી.”
આ વિસ્ફોટક ઈનિંગ દરમિયાન રોહિતે ઘણા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા હતા. જોકે, ભારતીય ટીમ 388 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે 27 રનથી મેચ હારી ગઈ હતી અને ઈંગ્લેન્ડે 3 મેચની સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી હતી પરંતુ, મેચ બાદ પરિણામ કરતાં વધુ ચર્ચા રોહિત શર્માની ધમાકેદાર વાપસી અને તેના નિવૃત્તિ પર શુભમન ગિલના નિવેદનની રહી હતી.




Leave a Comment