હિન્દી સિનેમાના પ્રખ્યાત ગાયક અરીજિત સિંહ અવારનવાર ચર્ચામાં રહે છે. આ વર્ષની શરૂઆતમાં પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા પછી પણ તે મનોરંજન જગતમાં છવાયેલા રહે છે પરંતુ, હાલમાં જે સમાચાર સામે આવી રહ્યા છે, તેનાથી ચોક્કસપણે અરીજિતના ફેન્સના ચહેરા ખીલી ઉઠશે. અહેવાલો અનુસાર, અરીજિત સિંહે અભિનેતા ઇમરાન હાશ્મીની આગામી ફિલ્મ ‘આવારાપન 2’ (Awarapan 2) માટે એક સેડ સોન્ગ ગાયું છે, જેને મેકર્સ ટૂંક સમયમાં રિલીઝ કરી શકે છે.
‘આવારાપન-2’માં અરીજિત સિંહનો અવાજ
ઇમરાન હાશ્મીની 2007માં આવેલી ફિલ્મ ‘આવારાપન’ ભલે બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી હોય, પરંતુ તેના શાનદાર સંગીત અને ગીતોના કારણે તે એક ‘કલ્ટ ક્લાસિક’ ફિલ્મ બની ગઈ હતી. એવામાં મેકર્સ ‘આવારાપન 2’ના મ્યુઝિક માટે પણ કોઈ કસર છોડવા માગતા નથી. ખાસ કરીને નિર્માતા વિશેષ ભટ્ટ આ ફિલ્મના તમામ ગીતોને હિટ બનાવવા માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે.
21 જુલાઈના રોજ ફિલ્મનું બીજું ગીત રિલીઝ કરવામાં આવી શકે
પિંકવિલાના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિશેષ ભટ્ટે ખાસ કરીને અરીજિત સિંહને વિનંતી કરી હતી કે તે ‘આવારાપન 2’નું ટાઇટલ સોન્ગ ‘યે આવારાપન…’ (Ye Awarapan) ગાય. પ્લેબેક સિંગિંગમાંથી સંન્યાસ લેનારા અરીજિતે આ વિનંતી સ્વીકારી લીધી છે અને તેમની વાઈસમાં આ ગીત ગવાયું છે. આ સાથે જ 21 જુલાઈના રોજ આ ફિલ્મનું આ બીજું ગીત રિલીઝ કરવામાં આવી શકે છે.
જોકે, આ બાબતે હજુ સુધી કોઈ અધિકૃત પુષ્ટિ (Official Confirmation) થઈ નથી કે શું અરીજિતે ખરેખર નિવૃત્તિમાંથી વાપસી કરીને આ ગીત ગાયું છે, કે પછી તેણે નિવૃત્તિની જાહેરાત કરી તે પહેલાં જ આ ગીત રેકોર્ડ કરી લીધું હતું. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 27 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા દ્વારા અરીજિત સિંહે સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને ફેન્સને આંચકો આપ્યો હતો.
ક્યારે રિલીઝ થશે ‘આવારાપન-2’?
ફિલ્મ ‘આવારાપન-2’ને લઈને ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મના ટીઝર અને પહેલા ગીત ‘વે જુનૂન’ને દર્શકો તરફથી ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે. આ ફિલ્મ 14 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં ઇમરાન હાશ્મી ઉપરાંત દિશા પાટની અને શબાના આઝમી જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.




Leave a Comment