રોહિત શેટ્ટીએ સોશિયલ મીડિયા પર ‘ગોલમાલ 5’ની રિલીઝ ડેટ જાહેર કરી છે. ફિલ્મ 8 જાન્યુઆરી 2027ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સાથે લગભગ એક દાયકા બાદ ‘ગોલમાલ’ ગેંગ ફરી એકવાર મોટા પડદા પર પરત ફરશે. અગાઉનો ચોથો ભાગ 2017માં રિલીઝ થયો હતો. આ જાહેરાત સાથે મેકર્સે ફિલ્મનું મોશન પોસ્ટર અને પ્રમોશનલ વીડિયો પણ શેર કર્યો છે. રિલીઝ ડેટ સામે આવતાં જ ફિલ્મ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગઈ છે.
અક્ષય કુમાર પહેલીવાર ‘ગોલમાલ’ પરિવારનો ભાગ
‘ગોલમાલ 5’માં અજય દેવગન ફરી ગોપાલના પાત્રમાં જોવા મળશે. તેમની સાથે અરશદ વારસી, કુણાલ ખેમુ, શ્રેયસ તલપડે અને તુષાર કપૂર જેવા ફ્રેન્ચાઇઝીના જાણીતા કલાકારો પણ પરત ફરી રહ્યા છે. આ વખતે શર્મન જોશીની વાપસી પણ ખાસ છે. તેઓ પ્રથમ ‘ગોલમાલ’ ફિલ્મમાં જોવા મળ્યા હતા અને લગભગ બે દાયકા બાદ ફરી આ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયા છે. સૌથી મોટું નવું નામ અક્ષય કુમારનું છે, જે પહેલીવાર ‘ગોલમાલ’ સિરીઝનો ભાગ બન્યો છે.
અક્ષય કુમારની ભૂમિકા હજુ ચર્ચામાં
ફિલ્મમાં અક્ષય કુમાર કયા પાત્રમાં જોવા મળશે તેને લઈને મેકર્સે સંપૂર્ણ વિગતો જાહેર કરી નથી. જોકે, અક્ષયે તાજેતરમાં જણાવ્યું છે કે ‘ગોલમાલ 5’માં તે નેગેટિવ ભૂમિકા ભજવી રહ્યો છે અને આ પાત્રમાં કોમેડી સાથે વિલનનો અલગ અંદાજ જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ 2026માં શરૂ થયું હતું અને સપ્ટેમ્બર સુધીમાં શૂટિંગ પૂર્ણ થઈ ગયું હોવાનું શર્મન જોશીએ જણાવ્યું છે. હવે ફિલ્મનું પોસ્ટ-પ્રોડક્શન કામ ચાલી રહ્યું છે.
20 વર્ષ જૂની ફ્રેન્ચાઇઝી ફરી મચાવશે ધમાલ
‘ગોલમાલ’ ફ્રેન્ચાઇઝીની શરૂઆત 2006માં ‘ગોલમાલ: Fun Unlimited’થી થઈ હતી. હવે પાંચમો ભાગ 2027માં રિલીઝ થશે, એટલે ફ્રેન્ચાઇઝીના બે દાયકાની સફર પણ આ ફિલ્મ સાથે ખાસ રીતે જોડાઈ રહી છે. અજય દેવગન અને જૂના કલાકારોની વાપસી સાથે અક્ષય કુમારની નવી એન્ટ્રી ફિલ્મને લઈને ચાહકોમાં ખાસ ઉત્સુકતા જોવા મળી રહી છે.



