ચોમાસામાં વધતા ડેન્ગ્યુના કેસો વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દેશના ડ્રગ કંટ્રોલર જનરલ (DCGI)એ જાપાનની Takeda કંપનીની ડેન્ગ્યુ વેક્સિન QDENGAને મંજૂરી આપી છે. આ વેક્સિન 4થી 60 વર્ષની વયના લોકો માટે ઉપલબ્ધ રહેશે.
ડેન્ગ્યુ ટેસ્ટ વગર પણ લઈ શકાશે
QDENGAની સૌથી મોટી ખાસિયત એ છે કે રસી લેતા પહેલાં વ્યક્તિને અગાઉ ડેન્ગ્યુ થયો છે કે નહીં તેની તપાસ કરાવવાની જરૂર નથી. ડેન્ગ્યુ થઈ ચૂક્યો હોય કે ન થયો હોય, બંને સ્થિતિમાં આ વેક્સિન લઈ શકાય છે.
બે ડોઝ, ત્રણ મહિનાનો ગેપ
આ વેક્સિનના કુલ બે ડોઝ આપવામાં આવશે. બંને ડોઝ વચ્ચે 3 મહિનાનું અંતર રાખવું ફરજિયાત રહેશે. રસી ત્વચાની નીચે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવશે.
ચારેય પ્રકારના ડેન્ગ્યુ સામે રક્ષણ
QDENGA ડેન્ગ્યુ વાયરસના ચારેય સ્ટ્રેઇન સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે. ક્લિનિકલ ટ્રાયલમાં તે ડેન્ગ્યુ સામે 80%થી વધુ અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને 90% સુધી ઘટાડવામાં અસરકારક સાબિત થઈ છે.
WHOની પણ મળી ભલામણ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) પણ QDENGAની ભલામણ કરી ચૂક્યું છે. આ વેક્સિનને અત્યાર સુધીમાં વિશ્વના 43 દેશોમાં મંજૂરી મળી છે અને 3.2 કરોડથી વધુ ડોઝનું વિતરણ થઈ ચૂક્યું છે.
રસી સાથે સાવચેતી પણ જરૂરી
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, રસી લીધા બાદ પણ મચ્છરોથી બચવા માટે પાણી ભરાવા ન દેવું, સંપૂર્ણ શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા, મચ્છરદાની અને રિપેલન્ટનો ઉપયોગ કરવો તેમજ ડેન્ગ્યુના લક્ષણો દેખાય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.




Leave a Comment