દેશભરમાં અવારનવાર સામે આવતા પેપર લીકના બનાવો તેમજ વિદ્યાર્થી આંદોલનો સામે થતી પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભાવનગરમાં કોંગ્રેસ અને NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રીનગર ઓવરબ્રિજ પાસે રસ્તા પર ઉતરેલા કાર્યકરોએ ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
‘રસ્તા રોકો’ આંદોલન અને લોકશાહીના દમનનો વિરોધ
વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય યુવા-વિદ્યાર્થી નેતાઓની અટકાયત તથા ભાજપ સરકાર દ્વારા લોકશાહીના દમન સામે ભાવનગર કોંગ્રેસ અને NSUIએ આક્રમક વલણ અપનાવ્યું હતું. કાર્યકરોએ શાસ્ત્રીનગર ઓવરબ્રિજ નજીક સૂત્રોચ્ચાર સાથે ‘રસ્તા રોકો’ કાર્યક્રમ યોજી વાહન વ્યવહાર રોકવાનો પ્રયાસ કર્યો હતો.
150થી વધુ પેપર લીકનો સ્થાનિક નેતાનો આક્ષેપ
આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, દેશભરમાં અત્યાર સુધીમાં 150થી વધુ પરીક્ષાઓના પેપરો લીક થઈ ચૂક્યા છે. આમ છતાં, સરકારી તંત્ર યુવાનો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી રહ્યું છે અને તેમનો અવાજ દબાવવા માટે પોલીસ બળનો દુરુપયોગ કરી રહ્યું છે.
નેતાઓએ વધુમાં ઉમેર્યું હતું કે, જો વિદ્યાર્થીઓ અને યુવાનોના હિતોનું દમન કરવાનો પ્રયાસ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ચક્કાજામની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
જાહેર માર્ગ પર વાહનવ્યવહાર ખોરવાતો અટકાવવા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ અને NSUIના સ્થાનિક હોદ્દેદારો તથા કાર્યકરોની સ્થળ પરથી જ અટકાયત કરી હતી.




Leave a Comment