દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
ભારે વરસાદના કારણે પારડી અને ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેકનું ધોવાણ થતાં મુંબઈ-અમદાવાદ રેલવે રૂટ પર ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા કેટલીક ટ્રેનો રદ્દ, શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વલસાડમાં 15 ઈંચથી વધુ વરસાદ, જળબંબાકારની સ્થિતિ
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં કપરાડામાં સૌથી વધુ 15.63 ઈંચ (397 મિમી) વરસાદ નોંધાયો છે. જ્યારે નાનાપોંઢામાં 11 ઈંચ, પારડીમાં 9.37 ઈંચ અને વલસાડ શહેરમાં 8.31 ઈંચ વરસાદ ખાબક્યો છે. રે વરસાદને કારણે નદી-નાળાઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે અને અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેકને નુકસાન
ભારે વરસાદના કારણે ઉદવાડા અને પારડી રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેકની માટીનું ધોવાણ થયું છે. ટ્રેકની નીચેની જમીન ખસી જતાં બ્રિજ બેંક સ્લાઈડિંગ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે મુંબઈ-અમદાવાદ વચ્ચેનો મહત્વપૂર્ણ રેલવે માર્ગ પ્રભાવિત થયો છે. પશ્ચિમ રેલવેની ટીમ દ્વારા ટ્રેકનું સમારકામ અને માર્ગ પુનઃ શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ ટ્રેનો સંપૂર્ણપણે કરાઈ રદ્દ :
- ઉમરગામ-વલસાડ મેમુ (69153)
- વલસાડ-ઉમરગામ રોડ મેમુ (69154)
મુખ્ય ટ્રેનો શોર્ટ ટર્મિનેટ કરાઈ
- કર્ણાવતી એક્સપ્રેસ (12934): અમદાવાદથી ઉપડી વલસાડ સુધી જ દોડશે.
- ડબલ ડેકર એક્સપ્રેસ (12932): અમદાવાદથી ઉપડી નવસારી સુધી જ જશે.
- સાયજીનગરી એક્સપ્રેસ (20908): ભુજથી ઉપડી સુરત સુધી જ ચાલશે.
- અજમેર-બાંદ્રા ટર્મિનસ SF (12996): અજમેરથી ઉપડી વલસાડ સુધી જ ચાલશે.
- બોરીવલી-વલસાડ મેમુ: વાપી સુધી જ દોડશે.
- વડોદરા-દહાણુ રોડ ટ્રેન: બિલીમોરા સુધી જ જશે.
કેટલીક ટ્રેનો નવા સ્ટેશનથી શરૂ થશે
- બાંદ્રા-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ (12933): બાંદ્રાને બદલે વલસાડથી 16:20 કલાકે ઉપડશે.
- મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ડબલ ડેકર (12931): મુંબઈને બદલે નવસારીથી 17:20 કલાકે શરૂ થશે.
- દાદર-ભુજ સાયજીનગરી એક્સપ્રેસ (20907): દાદરને બદલે સુરતથી 19:35 કલાકે ઉપડશે.
- બાંદ્રા-અજમેર SF (12995): બાંદ્રાને બદલે વલસાડથી 20:15 કલાકે ઉપડશે.
મુસાફરો માટે રેલવેની અપીલ
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે મુસાફરી પહેલાં ટ્રેનની સ્થિતિ ચોક્કસ તપાસી લેવી. મુસાફરો NTES એપ અથવા 139 હેલ્પલાઈન નંબર પરથી ટ્રેનનું લાઈવ સ્ટેટસ જાણી શકે છે. ભારે વરસાદની સ્થિતિને જોતા રેલવે પ્રશાસન દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.




Leave a Comment