વિશ્વભરના ઓઇલ માર્કેટમાં એકવાર ફરી મોટી ઉથલપાથલ મચી ગઈ છે. મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ એવા ‘હોર્મુઝની સામુદ્રધુની’ સંપૂર્ણપણે બંધ થવાના અહેવાલો બાદ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ છ સપ્તાહની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયા છે.
કેટલા વધ્યા ભાવ?
બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 2% વધીને 96 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે, જ્યારે અમેરિકી WTI ક્રૂડ પણ વધીને 88.24 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. આ બંને વૈશ્વિક બેંચમાર્ક હાલ છ સપ્તાહના સર્વોચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.
ઓઇલ માર્કેટમાં કેમ મચ્યો હડકંપ?
‘હોર્મુઝની સામુદ્રધુની’ને વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ ઓઇલ ટ્રાન્સપોર્ટ રૂટ માનવામાં આવે છે. અખાતી દેશોમાંથી નીકળતા કાચા તેલનો મોટો હિસ્સો આ જ દરિયાઈ માર્ગેથી દુનિયાના અલગ-અલગ દેશો સુધી પહોંચે છે.
આ માર્ગ બંધ થવાથી વૈશ્વિક ઓઇલ સપ્લાય ખોરવાઈ જવાનો મોટો ખતરો ઊભો થયો છે. જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો વિશ્વભરમાં તેલની અછત સર્જાઈ શકે છે અને કિંમતોમાં વધુ મોટો ઉછાળો આવી શકે છે એવી ભીતિ સેવાઈ રહી છે.
ભારતમાં શું છે પેટ્રોલ-ડીઝલના રેટ?
આંતરરાષ્ટ્રીય સ્તરે કૂડ ઓઇલના ભાવમાં થયેલા આ જંગી વધારા છતાં ભારતમાં હાલમાં સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે. દેશની અગ્રણી સરકારી તેલ કંપનીઓ (જેવી કે IOCL, HPCL અને BPCL) દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના નવા દર જાહેર કરે છે.
દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા જેવા મુખ્ય મહાનગરો સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં ઇંધણના ભાવ હાલ સ્થિર જળવાઈ રહ્યા છે. આજે ભારતમાં ડીઝલનો ભાવ ₹95.30 પ્રતિ લિટર અને પેટ્રોલનો ભાવ ₹102.12 પ્રતિ લિટર નોંધાયો છે.




Leave a Comment