સિસ્ટમનો ભ્રષ્ટાચાર જ્યારે રાતોરાત લાખો વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત પર પાણી ફેરવી દે છે, ત્યારે માત્ર પરીક્ષા રદ નથી થતી… પણ અનેક ઘરોના ચિરાગ કાયમ માટે બુઝાઈ જાય છે. નીટ (NEET-UG) પેપર લીકની દેશને હચમચાવી મુકનારી આ જ કડવી વાસ્તવિકતા હવે પડદા પર આવવા જઈ રહી છે. OTT પ્લેટફોર્મ ZEE5એ તેમની નવી સીરીઝ ‘The Scam: Leaked’નું રૂંવાડા ઊભા કરી દે એવું ટીઝર રિલીઝ કર્યું છે.
ડાયલોગ વગર જ ટીઝરે દેખાડી દેશની ખોખલી શિક્ષણ વ્યવસ્થા
આ ટીઝર ભલે કોઈ મોટો ડાયલોગ ન ધરાવતું હોય, પરંતુ તેનો એક-એક સીન દેશની ખોખલી શિક્ષણ વ્યવસ્થા પર સીધો તમાચો મારે છે. 1 મિનિટથી વધુ લાંબા આ ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે હાઈ-સિક્યોરિટી ધરાવતા પ્રિન્ટિંગ પ્રેસમાંથી રાતોરાત ગોપનીય પ્રશ્નપત્રો લીક થઈને સોશિયલ મીડિયા અને કાળાબજારમાં વેચાય છે. ત્યારબાદ સીન સીધો ન્યૂઝ ચેનલોના કવરેજ તરફ વળે છે, જ્યાં CBI તપાસ અને દેશભરમાં બબાલની પટ્ટીઓ દોડી રહી છે.
‘Papa Calling’… અને ખાલી ક્લાસરૂમ!
સૌથી વધુ હૃદય ધ્રૂજાવી દેતો અંત ટીઝરની લાસ્ટ ફ્રેમમાં જોવા મળે છે. એક ખાલી ક્લાસરૂમમાં ટેબલ પર પડેલા ફોન પર “Papa Calling” ઝબકી રહ્યું છે પરંતુ, ફોન ઉપાડવાવાળું કોઈ નથી બચ્યું. સામેના અરીસામાં પરીક્ષાના દબાણ અને પેપર લીકના આઘાતમાં આત્મહત્યા કરી ચૂકેલા વિદ્યાર્થીનો પડછાયો દેખાય છે. આ માત્ર સ્ક્રીન પરની કાલ્પનિક વાર્તા નથી, પરંતુ કડવી વાસ્તવિકતા છે. પરીક્ષા રદ થવાના આઘાતમાં અંકલેશ્વર (ગુજરાત), દિલ્હી, યુપી અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી માત્ર 36 દિવસની અંદર 12થી વધુ વિદ્યાર્થીઓએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
રસ્તા પર લોહી અને દિલ્હીમાં લાઠીચાર્જ
આ આખી ઘટનાની શરૂઆત 3 મેના રોજ થઈ હતી, જ્યારે દેશના 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ પોતાના ડોક્ટર બનવાના સપના સાથે પરીક્ષા આપવા બેઠા હતા. જોકે, કૌભાંડ સામે આવ્યા બાદ સીબીઆઈ તપાસ શરૂ થઈ અને આખરે 12 માર્ચે પરીક્ષા રદ કરવાનો મોટો આંચકો વિદ્યાર્થીઓને મળ્યો. આ અન્યાય સામે જ્યારે વિદ્યાર્થીઓ 20 માર્ચે જંતર-મંતર પર ‘સંસદ માર્ચ’ કરવા નીકળ્યા ત્યારે પોલીસ દ્વારા ગેસના ગોળા અને લાઠીચાર્જ કરાતાં ભણવાની ઉંમરે દેશનો યુવા રસ્તા પર લોહીલુહાણ થયો હતો.
“એક પેપર, લાખો સપના, એક લીક અને દેશ હેરાન!”
ZEE5 એ આ ટીઝર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે— “એક પેપર. લાખો સપના. એક લીક અને દેશ હેરાન!” સોશિયલ મીડિયા પર આ ટીઝર વાયરલ થતાં જ લોકો કહી રહ્યા છે કે, આ સીરીઝે રાજકારણીઓ અને પેપર માફિયાઓની આંખ ઉઘાડવાનું કામ કર્યું છે. હવે જોવાનું એ રહેશે કે ‘The Scam: Leaked’ રિલીઝ થયા બાદ દેશની આ જ્વલંત સમસ્યા અને શિક્ષણ વ્યવસ્થા પર કેવા પ્રકારની ચર્ચા જગાવે છે.




Leave a Comment