કમાણી અને ખર્ચનો હિસાબ સરકારને આપવાની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. સામાન્ય કરદાતાઓ માટે નાણાકીય વર્ષ 2025-26 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ નજીક આવી ગઈ છે. ઉતાવળમાં નાની-મોટી ભૂલો થવાની શક્યતા વધી જાય છે. જેમ કે, બેંક ખાતાના વ્યાજની વિગતો આપવાનું ભુલાઈ જવું, સંયુક્ત ટ્રાન્ઝેક્શનની વિગતો ખોટી દર્શાવવી, વિદેશી બેંક ખાતાનો ઉલ્લેખ ન કરવો કે પછી ખોટું ITR ફોર્મ પસંદ કરી લેવું.
માત્ર ફોર્મ-16ના આધારે રિટર્ન ભરવું પૂરતું નથી
ટેક્સ નિષ્ણાતોના મતે, ITR ભરતી વખતે સૌથી મોટી ભૂલ ખોટી ગણતરી નથી, પરંતુ એવી કમાણી છુપાવવી અથવા ભૂલી જવી છે જેની માહિતી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે પહેલેથી જ ઉપલબ્ધ હોય છે. આજે આવકવેરા વિભાગ પાસે AIS, TIS, ફોર્મ 26AS, બેંક, મ્યુચ્યુઅલ ફંડ અને બ્રોકર્સ દ્વારા તમામ ડેટા પહેલેથી પહોંચી જાય છે. તેથી માત્ર ફોર્મ-16ના આધારે રિટર્ન ભરવું પૂરતું નથી.
ITR ફાઇલ કરતી વખતે આ 10 ભૂલોથી બચો:
ખોટું ITR ફોર્મ પસંદ કરવું
શરૂઆતથી જ સાવધાની રાખવી જરૂરી છે. યોગ્ય ટેક્સ રિજીમ અને સાચું ITR ફોર્મ પસંદ કરવું અત્યંત મહત્વનું છે.
- ITR-1 (સહજ): 50 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા પગારદારો, બે પ્રોપર્ટીમાંથી આવક મેળવનારા અને 5000 રૂપિયા સુધીની ખેતીની આવક ધરાવતા વ્યક્તિઓ માટે. (બિઝનેસ કે પ્રોફેશનથી આવક ધરાવનારા આ ફોર્મ ભરી શકતા નથી).
- ITR-2: બિઝનેસ કે પ્રોફેશનથી આવક ન હોય પરંતુ કેપિટલ ગેઇન્સ (મૂડી નફો) કે વધુ પ્રોપર્ટીની આવક હોય તેવા લોકો માટે.
- ITR-3: પ્રોપ્રાઇટરી બિઝનેસ કે પ્રોફેશનથી આવક ધરાવતી વ્યક્તિઓ અને HUF માટે.
- ITR-4 (સુગમ): 50 લાખ સુધીની આવક અને પ્રિઝમ્પટિવ ટેક્સેશન સ્કીમ પસંદ કરનાર વ્યક્તિઓ/પેઢીઓ માટે.
- ITR-5, 6 અને 7: અનુક્રમે ભાગીદારી પેઢીઓ/LLP, કંપનીઓ અને ટ્રસ્ટો/ચેરિટેબલ સંસ્થાઓ માટે.
યોગ્ય ટેક્સ રિજીમ (Tax Regime)ની પસંદગી ન કરવી
મિત્રો કે સોશિયલ મીડિયાની સલાહ પર જૂની કે નવી ટેક્સ રિજીમ પસંદ ન કરો. દરેક કરદાતાની આવક, રોકાણ (Investments) અને ડિડક્શનની સ્થિતિ અલગ હોય છે. બંને ઓપ્શનમાં ટેક્સની ગણતરી કર્યા બાદ જ યોગ્ય નિર્ણય લો.
માત્ર ફોર્મ-16 પર નિર્ભર રહેવું
પગારદાર વર્ગ મોટાભાગે ફોર્મ ૧૬ જોઈને રિટર્ન ભરી દે છે. પરંતુ સેવિંગ્સ એકાઉન્ટનું વ્યાજ, FDનું વ્યાજ, ડિવિડન્ડ, કેપિટલ ગેઈન કે ભાડાની આવક ફોર્મ ૧૬માં હોતી નથી. તેથી ફોર્મ-16 ઉપરાંત AIS અને TIS પણ અવશ્ય તપાસો.
AIS, TIS અને ફોર્મ 26ASનું મિલાન ન કરવું
અન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS), TIS અને ફોર્મ 26ASમાં આપેલી વિગતો સરખાવી લેવી. જો AISમાં કોઈ એન્ટ્રી ડુપ્લિકેટ દેખાતી હોય અથવા સંયુક્ત ટ્રાન્ઝેક્શન (Joint Transaction) હોય, તો રિટર્ન ભરતી વખતે જ પોર્ટલ પર તેનું ફીડબેક/સ્પષ્ટીકરણ આપી દો, જેથી પાછળથી નોટિસ ન આવે.
વિદેશી સંપત્તિ (Foreign Assets) છુપાવવી
NRI, ESOP હોલ્ડર્સ અથવા મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓએ વિદેશી બેંક ખાતા, શેર્સ કે સંપત્તિની વિગતો ITRના Schedule FA માં દર્શાવવી ફરજિયાત છે. વિદેશી ડેટા શેરિંગના કારણે આ વિગતો છુપાવવા પર ભારે પેનલ્ટી લાગી શકે છે.
કેપિટલ ગેઇન્સની વિગતો ન આપવી
મ્યુચ્યુઅલ ફંડ કે શેર્સ વેચીને મળેલો નફો કે નુકસાન (Capital Gain / Loss) દર્શાવવો જરૂરી છે. ભલે તમે એ પૈસા પુનઃરોકાણ કર્યા હોય કે વાપરી નાખ્યા હોય, Schedule CGમાં તેની સાચી માહિતી આપવી પડે છે.
પ્રોપર્ટી અને ભાડાની આવક ન દર્શાવવી
મિલકત વેચાણ, ખરીદી અથવા ભાડાની આવકની બાબતમાં માત્ર બેંક પાસબુક પર આધાર ન રાખવો. સેલ ડીડ, ખરીદ કિંમત અને સુધારા ખર્ચના દસ્તાવેજો સાચવી રાખવા અને એકથી વધુ પ્રોપર્ટી હોય તો સાચી વિગતો દર્શાવવી.
બેંક વ્યાજ ઉમેરવાનું ભૂલી જવું
સેવિંગ્સ એકાઉન્ટ, એફડી (FD), રિકરિંગ ડિપોઝિટ (RD) કે ઇન્કમ ટેક્સ રિફંડ પર મળેલા વ્યાજની આવક દર્શાવવી ફરજિયાત છે. ‘આની પર TDS કપાઈ ગયો છે એટલે દર્શાવવું જરૂરી નથી’ તે માન્યતા ખોટી છે.
જૂના એમ્પ્લોયર (Employer) ને ભૂલી જવું
જો તમે નાણાકીય વર્ષ દરમિયાન નોકરી બદલી હોય, તો બંને કંપનીઓમાંથી મળેલી આવકને ભેગી (Consolidated) કરીને ITR માં દર્શાવવી પડે છે. માત્ર હાલની કંપનીનું ફોર્મ ૧૬ વાપરવાથી અધૂરી રિપોર્ટિંગ થશે અને નોટિસ આવી શકે છે.
બેંક ખાતું અપડેટ કે પ્રી-વેલિડેટ ન કરવું
રિફંડ મેળવવા માટે ITR પોર્ટલ પર સાચો બેંક ખાતા નંબર અને IFSC કોડ દાખલ કરવો તથા બેંક ખાતાને Pre-validate કરવું જરૂરી છે. ખાતું અપડેટ ન હોય તો રિફંડ અટકી શકે છે.




Leave a Comment