નમિત મલ્હોત્રા અને નિતેશ તિવારીના ડાયરેક્શનમાં બની રહેલી હિન્દી સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ ‘રામાયણમ્’ થિયેટરોમાં રિલીઝ થાય તે પહેલાં જ બોક્સ ઓફિસમાં ધમાલ મચાવી રહી છે. અંદાજે ₹4,000 કરોડના અધધ બજેટ અને 40 મિલિયન યુએસ ડોલરના માર્કેટિંગ બજેટ સાથે બની રહેલી આ ગ્રાન્ડ ફ્રેન્ચાઇઝીએ રિલીઝ પહેલાં જ કમાણીનો નવો ઇતિહાસ રચી દીધો છે.
T-સીરીઝે ₹75 કરોડનું એડવાન્સ પેમેન્ટ આપી મ્યુઝિક રાઇટ્સ મેળવ્યા
‘પિંકવિલા’ અને ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના અહેવાલો મુજબ મેકર્સ શરૂઆતમાં ફિલ્મના ગ્લોબલ મ્યુઝિક રાઇટ્સ માટે ₹100 કરોડની ડીલ કરવા માંગતા હતા. આ રેકોર્ડબ્રેક મ્યુઝિક રાઇટ્સ મેળવવા માટે T-સિરિઝ, સોની મ્યુઝિક, સારેગામા અને યુનિવર્સલ મ્યુઝિક જેવા દિગ્ગજ મ્યુઝિક લેબલો વચ્ચે કડી સ્પર્ધા જામી હતી.
આખરે, T-સીરીઝના વડા ભૂષણ કુમારે બાજી મારી લીધી છે. T-સીરીઝે ₹75 કરોડનું એડવાન્સ પેમેન્ટ ચૂકવીને ‘રામાયણમ્’ના બંને ભાગના મ્યુઝિક રાઇટ્સ પોતાના નામે કરી લીધા છે. T-સીરીઝના સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપનીને આ ફિલ્મના સાઉન્ડટ્રેક અને મ્યુઝિક પર સંપૂર્ણ ભરોસો છે.
એ.આર. રહેમાન અને હાન્સ ઝિમરનું જાદુઈ સંગીત
આ ફિલ્મનું સંગીત એટલા માટે ખાસ છે કારણ કે, ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન (A.R. Rahman) અને હોલીવુડના દિગ્ગજ સંગીતકાર હાન્સ ઝિમર (Hans Zimmer) સાથે મળીને આ ફિલ્મનું સંગીત તૈયાર કરી રહ્યા છે. ભારતીય અને પશ્ચિમી સંગીતના આ મહાસંગમથી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
‘બ્રહ્મ મુહૂર્ત’માં લોન્ચ થશે મચઅવેટેડ ટ્રેલર
સોની પિક્ચર્સ એન્ટરટેઈનમેન્ટ સાથે ગ્લોબલ ડિસ્ટ્રિબ્યુશન ડીલના કારણે અગાઉ 24 જુલાઈના રોજ આવનારું ટ્રેલર પાછું ઠેલવવામાં આવ્યું હતું. હવે મેકર્સે ટ્રેલર રિલીઝની નવી તારીખ જાહેર કરી છે. સોશિયલ મીડિયા પર જાહેરાત કરતાં ટીમ જણાવ્યુ હતું કે, “શુભ બ્રહ્મ મુહૂર્તમાં, 30 જુલાઈ 2026, ગુરુવારે સવારે 04:15 વાગ્યે (IST) વિશ્વભરમાં ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવશે.”
સ્ટાર કાસ્ટ અને રિલીઝ ડેટ
ડાયરેક્ટર નિતેશ તિવારીની આ મહાકાવ્ય આધારિત ફિલ્મ બે ભાગમાં રજૂ કરવામાં આવશે:
- રણબીર કપૂર: ભગવાન શ્રી રામના રોલમાં
- સાઈ પલ્લવી: માતા સીતાના રોલમાં
- યશ (KGF ફેમ): રાવણના રોલમાં
આ ગ્રાન્ડ પ્રોજેક્ટનો પ્રથમ ભાગ દિવાળી 2026માં અને બીજો ભાગ દિવાળી-2027માં વિશ્વભરના થિયેટરોમાં ધૂમ મચાવવા માટે રિલીઝ થશે.




Leave a Comment