સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર)ને ચીનના ‘વીચેટ’ની જેમ એક જ જગ્યાએ તમામ સેવાઓ આપતી ‘એવરીથિંગ એપ’ (Super App) બનાવવાની દિશામાં ઇલોન મસ્કે સૌથી મોટો ધમાકો કર્યો છે. મસ્કે અમેરિકામાં સત્તાવાર રીતે ‘X મની’ (X Money) બેંકિંગ ફીચરનું રોલઆઉટ શરૂ કરી દીધું છે.
આ નવી સુવિધા સાથે હવે X માત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા કે ટ્રેન્ડ જોવા પૂરતું સીમિત નહીં રહે પરંતુ, યુઝર્સ પોતાના ખાતામાં પૈસા જમા કરાવવાથી લઈને બિલ પેમેન્ટ અને વાયર ટ્રાન્સફર જેવા તમામ બેંકિંગ કામો આ જ એપ પરથી કરી શકશે.
એપ છોડ્યા વિના થશે તમામ પૈસાની લેવડદેવડ
અમેરિકાના પ્રીમિયમ અને પ્રીમિયમ+ સબ્સ્ક્રાઇબર્સ માટે શરૂ થયેલી આ સેવામાં યુઝર્સને ‘ક્રોસ રિવર બેંક’ના સહયોગથી ડિપોઝિટ અકાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
27 જુલાઈથી ગ્લોબલ રોલઆઉટ પામેલા આ ફીચરથી યુઝર્સ X એપમાંથી બહાર નીકળ્યા વગર જ અન્ય યુઝર્સને પૈસા ટ્રાન્સફર કરી શકશે, વાયર ટ્રાન્સફર મોકલી શકશે અને ફિઝિકલ ચેક પણ ડિપોઝિટ કરી શકશે.
ગ્રાહકોને આકર્ષવા માટે મસ્કે બેંકો કરતાં પણ વધુ આકર્ષક ઑફર્સ રજૂ કરી છે:
- આકર્ષક સ્કીમ: 6% વ્યાજ, 3% કેશબેક અને ‘X હેન્ડલ’ વાળું મેટલ ડેબિટ કાર્ડ
- વર્ચ્યુઅલ અને મેટલ કાર્ડ: એકાઉન્ટ ખોલતા જ ડિજિટલ વિઝા ડેબિટ કાર્ડ મળશે જે Apple Pay અને Google Pay માં કામ કરશે. આ સિવાય યુઝર્સ સ્પેશિયલ ફિઝિકલ મેટલ કાર્ડ પણ ઓર્ડર કરી શકશે, જેના પર તેમનું ‘X હેન્ડલ’ પ્રિન્ટ કરવાનો વિકલ્પ પણ મળશે.
- 6% સુધી વ્યાજ (APY): ડાયરેક્ટ ડિપોઝિટ સેટ કરનાર યુઝર્સને વાર્ષિક 6% સુધીનું ચક્રવૃદ્ધિ વ્યાજ (Annual Percentage Yield) મળશે.
- 3% કેશબેક અને ઝીરો ફી: લાયક ખરીદીઓ પર 3% કેશબેક મળશે તેમજ કોઈ પણ ફોરેન ટ્રાન્ઝેક્શન કે ATM ઉપાડની ફી લાગશે નહીં.
- વહેલો પગાર: યુઝર્સ તેમના પે-ચેક સામાન્ય સમય કરતાં 2 દિવસ વહેલા મેળવી શકશે.
સુરક્ષા માટે પાસ-કી અને વિઝાનું ફ્રોડ પ્રોટેક્શન
નાણાકીય બાબતો હોવાથી સુરક્ષા અંગે સ્પષ્ટતા કરતાં X કંપનીએ જણાવ્યું છે કે, એકાઉન્ટ્સને અત્યાધુનિક ‘પાસ-કી’ (Pass-key) ઓથેન્ટિકેશનથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. દરેક પેમેન્ટ માટે મલ્ટી-સ્ટેપ વેરિફિકેશન જરૂરી રહેશે. આ ઉપરાંત વિઝાનું ગ્લોબલ ફ્રોડ પ્રોટેક્શન અને રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ એકાઉન્ટ હોલ્ડર્સના પૈસાને સુરક્ષિત રાખશે.
સેનેટર એલિઝાબેથ વોરેને ઉઠાવ્યા સવાલો
Xના બેન્કિંગ ક્ષેત્રમાં પ્રવેશથી અમેરિકી સાંસદો અને રેગ્યુલેટર્સની ચિંતા વધી છે. સેનેટ બેંકિંગ કમિટીના ટોચના ડેમોક્રેટ સેનેટર એલિઝાબેથ વોરેને આ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવતા મસ્ક પાસે સ્પષ્ટતા માગી છે.
વોરેને આશંકા વ્યક્ત કરી છે કે, Xનું મેનેજમેન્ટ ગ્રાહકોની નાણાકીય સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા અને દેશની સમગ્ર બેંકિંગ સિસ્ટમ માટે જોખમ ઊભું કરી શકે છે કે કેમ તે અંગે તપાસ જરૂરી છે.
શું છે મસ્કનું વિઝન?
ઇલોન મસ્કે 2023માં જ કર્મચારીઓને સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ X ને માત્ર પીઅર-ટુ-પીઅર (P2P) પેમેન્ટ સુધી મર્યાદિત નથી રાખવા માગતા, પરંતુ તે યુઝર્સના સમગ્ર ફાઇનાન્શિયલ લાઇફનું કેન્દ્ર બને તેમ ઈચ્છે છે. હાલ અમેરિકામાં શરૂ થયેલી આ સેવા આગામી સમયમાં વિશ્વના અન્ય દેશોમાં પણ વિસ્તરે એવી શક્યતા છે.




Leave a Comment