શ્રીલંકાના પ્રવાસે પહોંચેલી ભારતીય ક્રિકેટ ટીમે ટેસ્ટ સિરીઝ શરૂ થાય તે પહેલાં પોતાની તૈયારીઓ વધુ મજબૂત બનાવી દીધી છે. શ્રીલંકાની પિચો પર સ્પિનર બોલરોનો દબદબો રહેતો હોવાથી, આ પરિસ્થિતિઓનો સામનો કરવા ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટે એક ખાસ વ્યૂહરચના બનાવી છે.
ભારતીય બેટ્સમેનોને દરેક પ્રકારના સ્પિન બોલિંગ સામે પ્રેક્ટિસ આપવા માટે ચાર અલગ-અલગ વેરાયટી ધરાવતા સ્પિનરોને નેટ બોલર તરીકે ટીમ સાથે જોડવામાં આવ્યા છે. જેમાં વિપ્રાજ નિગમ, શિવાંગ કુમાર, હર્ષ દુબે અને તનુષ કોટિયાનનો સમાવેશ થાય છે.
4 અલગ-અલગ શૈલીના સ્પિનરો આપશે કડક ટ્રેનિંગ
ક્રિકબઝના અહેવાલ મુજબ, શ્રીલંકાના ટ્રેક પર સ્પિન બોલિંગ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેથી ભારતીય બેટ્સમેનો નેટ્સમાં જ દરેક પ્રકારની સિક્રેટ સ્પિનનો સામનો કરી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. ટીમમાં સામેલ હર્ષ દુબે લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ સ્પિનર છે,
જ્યારે તનુષ કોટિયાન ઓફ સ્પિન બોલિંગ કરે છે. વિપ્રાજ નિગમ લેગ સ્પિનર છે અને શિવાંગ કુમાર લેફ્ટ આર્મ રિસ્ટ સ્પિનર (ચાઇનામેન) છે. આ ચારેય વેરાયટીના બોલર્સની હાજરીથી ભારતીય બેટ્સમેનોને મેચ પહેલાં શ્રીલંકન કંડિશનમાં ઢળવામાં મોટો ફાયદો થશે.
શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ રણમેદાનમાં ઉતરશે ભારત
શ્રીલંકા સામેની આ બે મેચોની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમનું નેતૃત્વ યુવા બેટ્સમેન શુભમન ગિલ કરશે, જ્યારે કે.એલ. રાહુલ વાઇસ કેપ્ટન તરીકે ભૂમિકા ભજવશે.
15 સભ્યોની મુખ્ય ટીમમાં યશસ્વી જેસ્વાલ, ઋષભ પંત, સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુતાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર, દેવદત્ત પડિક્કલ, સારાંશ જૈન અને આકિબ નબીને સ્થાન મળ્યું છે. જોકે, સાઈ સુદર્શનનું પસંદગી ફિટનેસ ક્લિયરન્સ પર નિર્ભર રહેશે.
15 ઓગસ્ટથી થશે સિરીઝનો પ્રારંભ
ભારત અને શ્રીલંકા વચ્ચે 2 ટેસ્ટ મેચોની સિરીઝનો પ્રથમ મુકાબલો 15થી 19 ઓગસ્ટ દરમિયાન ગાલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. ત્યારબાદ બીજી અને આખરી ટેસ્ટ 23થી 27 ઓગસ્ટ દરમિયાન કોલંબોના એસએસસી ગ્રાઉન્ડ પર રમાશે. બંને મેચો ભારતીય સમય મુજબ સવારે 10 વાગ્યે શરૂ થશે.




Leave a Comment