મળતી માહિતી મુજબ, સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા વિશાલા એમ્પાયર બિલ્ડિંગમાં ‘ક્રિશા સ્પા’માં દશરથ મીણા નામનો યુવક નોકરી કરતો હતો. 5 ઓગસ્ટના રોજ ઓઢવ વિસ્તારમાં આવેલા એક સ્પામાં પોલીસે રેડ પાડી હતી. ફરિયાદ મુજબ હુમલાખોરોને શંકા હતી કે આ રેડ અંગેની બાતમી દશરથે પોલીસને આપી હતી.
આ અદાવતમાં આરોપીઓ પ્રથમ સાંજે સ્પામાં પહોંચ્યા હતા અને દશરથ સાથે બોલાચાલી કરી હતી. તે સમયે દશરથે પોતે કોઈ બાતમી ન આપી હોવાનું જણાવ્યું હતું, ત્યારબાદ આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા.
મોડી રાત્રે ફરી આવ્યા, ઢોર માર મારી તોડફોડ કરી
ફરિયાદ અનુસાર, મોડી રાત્રે આશરે 12:30 વાગ્યે ચારથી પાંચ શખ્સો ફરી સ્પામાં ઘૂસી આવ્યા હતા. તે સમયે સ્પામાં એક મહિલા અને દશરથ હાજર હતા. આરોપીઓએ દશરથ સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ તેના પર હુમલો કર્યો હતો. જે હાથમાં આવ્યું તેનાથી માર માર્યો હતો અને સ્પામાં તોડફોડ પણ કરી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.
ચોથા માળેથી નીચે ફેંકતા મોત
હુમલા દરમિયાન આરોપીઓએ દશરથને બિલ્ડિંગના ચોથા માળેથી બારી બહાર ફેંકી દીધો હતો. ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવ બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં નરોડા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે CCTV ફૂટેજ કબજે કરીને હત્યાનો ગુનો નોંધ્યો છે અને આરોપીઓની ઓળખ કરી તેમની શોધખોળ શરૂ કરી છે.




Leave a Comment